GovernmentInfrastructureNEWS

જાહેરનામુ:અમદાવાદમાં એક્સપ્રેસ વે-નેશનલ હાઈવે અને શહેર માટે સ્પીડ લિમિટ નક્કી, ગતિ વધુ હશે તો દંડ ફટકારાશે

  • અમદાવાદમાં ટુ વ્હીલર 60 અને ફોર વ્હીલર માટે 40 કિ.મી.ની સ્પીડ લિમિટ નક્કી કરાઈ
  • આઠ કરતાં વધુ સીટ ધરાવતાં વ્હીકલ 70, ટ્રાન્સપોર્ટેશનવાળા વ્હીકલ 60, ટ્રેક્ટર 30, ટુ વ્હીલર 60 અને કાર 40ની સ્પીડે ચલાવી શકાશે

માર્ગ અકસ્માતો ઘટાડવા અને લોકોની સલામતી વધારવા માટે અમદાવાદ પોલીસ કમિશ્નરે સ્પીડ લિમિટને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. શહેર પોલીસ કમિશનરના અધિકાર ક્ષેત્રમાં આવતા એક્સપ્રેસ વે, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે તથા શહેરના અન્ય માર્ગો પર સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે.

શહેરી વિસ્તારમાં ટુ વ્હીલર ચાલકોએ 60 અને ફોર વ્હીલર ચાલકોએ 40ની સ્પીડે વાહન હંકારવુ પડશે. જ્યારે ટ્રાન્સપોર્ટેશન વ્હીકલો શહેરી વિસ્તારમાં 60ની સ્પીડે ચલાવી શકાશે. જો સ્પીડ વધુ હશે તો ટ્રાફિક પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. જો કે આ જાહેરનામુ એમ્બ્યુલન્સથી લઈ ફાયર ફાઈટર, પોલીસ અને વહીવટી તંત્રના વાહનોને લાગુ પડશે નહીં.

અકસ્માતની સંભાવના વધુ રહે છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સ્પીડ લિમિટનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આઠ કરતાં વધુ સીટ ધરાવતાં વ્હીકલ 70, ટ્રાન્સપોર્ટેશનવાળા વ્હીકલ 60, ટ્રેક્ટર 30, ટુ વ્હીલર 60 અને કાર 40ની સ્પીડે હંકારી શકાશે. આ ઉપરાંત કેબ માટે 50ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. જો, કે શહેરી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશન તેમજ આઠ કરતાં વધુ મુસાફરો વાળા વ્હીકલોની સ્પીડ ઓછી હોવી જોઈએ. કારણ કે આવા વ્હીકલથી અકસ્માતની સંભાવના વધુ રહે છે. જેના કારણે નિર્દોષ લોકોના મોત નિપજે છે.

દેશમાં સૌથી વધુ માર્ગ અકસ્માતમાં ગુજરાત 10મા ક્રમે
માર્ગ અકસ્માત અને તેના લીધે થતાં મૃત્યુના પ્રમાણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં વર્ષ 2017 દરમિયાન 18 હજાર 81 માર્ગ અકસ્માત થયા હતા અને જેમાંથી 7289 વ્યક્તિનાં મોત થયાં હતાં. આમ, ભારતમાં સૌથી વધુ માર્ગ અકસ્માત થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 10મા ક્રમે છે.ગુજરાતમાં હિટ એન્ડ રનને લીધે અકસ્માતના પ્રમાણમાં પણ ચિંતાજનક વધારો થયો છે.

હિટ એન્ડ રનમાં સૌથી વધુ અમદાવાદમાં મોત નોંધાયા
ગુજરાતમાં સૌથી વધુ ફ્લાય ઓવર બ્રિજ અને ટ્રાફિક નિયમન માટે શ્રેષ્ઠતમ CCTV નેટવર્ક છે તેવા સુરત શહેર સમેત જિલ્લામાં જ પાંચ વર્ષમાં હિટ એન્ડ રનમાં સૌથી વધુ 1254 નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સુરત શહેર અને જિલ્લાની પોલીસ અકસ્માતો કરીને છુમંતર થયેલા 1642 આરોપીઓને પકડી પણ શકી નથી. સુરત બાદ હિટ એન્ડ રનમાં સૌથી વધુ અમદાવાદમાં 945 નાગરિકોના મોત થયા છે.

છેલ્લા પાંચ વર્ષમાં 11411 હિટ એન્ડ રનના બનાવો
ગુજરાતમાં માર્ગ અકસ્માત અને તેના લીધે થતાં મૃત્યુના પ્રમાણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે ગુજરાત પોલીસ રાજ્યમાં વાહન અકસ્માતોને રોકવામાં નિષ્ફળ રહી છે. તેના કારણે ગુજરાતમાં હિટ એન્ડ રન અર્થાત અકસ્માત કરીને ભાગી છુટવાની ઘટનાઓ વધી છે, આ પ્રકારના અકસ્માતોમાં દરરોજ સરેરાશ ત્રણથી વધુ નાગરિકોના મોત થઈ રહ્યા છે. પાંચ વર્ષમાં ગુજરાતમાં 11 હજાર 411 હિટ એન્ડ રનના પોલીસ કેસ નોંધાયા છે, જેના અડધો અડધ કેસમાં 5570 આરોપી વાહન ચાલકો, માલિકોને પોલીસ હજી સુધી પકડી શકી નથી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close