અમદાવાદના પાકવાન ચાર રસ્તા સિગ્નલ ફ્રી બનશે.

અમદાવાદ: Built India Media: એસ.જી. હાઈવે પર આવેલા પાકવાન ચાર રસ્તાને સિગ્નલ ફ્રી બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ માટે એસબીઆર અને બોડકદેવ વચ્ચે બંને દિશામાં સીધી અવરજવર બંધ કરીને ફ્રી લેફ્ટ ટર્ન અને નવા કેપ્સ્યુલ યુ-ટર્નની વ્યવસ્થા કરવામાં આવશે.
આ ચાર રસ્તા પરથી દરરોજ આશરે 75 હજારથી એક લાખ વાહનો પસાર થાય છે. હાલમાં વાહનચાલકોને લાલ સિગ્નલ પર સરેરાશ 153 સેકન્ડ સુધી રાહ જોવી પડે છે, જ્યારે ગ્રીન સિગ્નલનો સમય આશરે 30 સેકન્ડનો છે. નવા ટ્રાફિક રૂટથી થલતેજથી ઇસ્કોન તરફ જતાં વાહનોને સિગ્નલ પર રોકાવું નહીં પડે.

આ ફેરફારથી મુસાફરીના સમયમાં આશરે 9 મિનિટનો ઘટાડો થવાની અને કાર તથા ટુ-વ્હીલર ચાલકોને દર મહિને અંદાજે ₹750થી ₹1,000 સુધીના ઇંધણની બચત થવાની શક્યતા છે. કેપ્સ્યુલ યુ-ટર્ન માટે ફ્લાયઓવરની બંને બાજુ બાંધકામ અને જરૂરી ફેરફારની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પાકવાન ચાર રસ્તા એસ.જી. હાઈવે પર સિગ્નલ ફ્રી બનનાર ચોથો જંકશન બનશે. આ પહેલાં પેલેડિયમ, કારગિલ અને સોલા હોસ્પિટલ ચાર રસ્તા પર આવી વ્યવસ્થા અમલમાં છે. નવા રૂટ મુજબ વાહનચાલકોએ પોતાના ગંતવ્ય સુધી પહોંચવા માટે નિર્ધારિત યુ-ટર્ન અને ફ્રી લેફ્ટ ટર્નનો ઉપયોગ કરવો પડશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: નવગુજરાત સમય



