ગુજરાતમાં ટૂંક સમયમાં તમામ TP અને DPના નકશા ઓનલાઈન ઉપલબ્ધ થશે

ગાંધીનગર: Built India Media: ગુજરાત સરકાર આગામી 12 મહિનામાં રાજ્યભરના ટાઉન પ્લાનિંગ (TP) અને ડેવલપમેન્ટ પ્લાન (DP)ના નકશા એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવશે. ટાઉન પ્લાનિંગ એન્ડ વેલ્યુએશન વિભાગ દ્વારા તૈયાર થનારા Web-GIS પોર્ટલના માધ્યમથી નાગરિકો પોતાની જમીન રહેણાક કે કોમર્શિયલ ઝોનમાં આવે છે કે નહીં, નજીકમાં કયો નવો રસ્તો આયોજનમાં છે અને મિલકત કઈ TP સ્કીમ હેઠળ આવે છે તેની માહિતી મેળવી શકશે.
આ પોર્ટલ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ રહેશે. નાગરિકો સ્થળ, સ્કીમ અને સંબંધિત પ્લાનિંગ ઓથોરિટીના આધારે મંજૂર નકશા શોધી શકશે. જોકે, પોર્ટલ પર ઉપલબ્ધ નકશો જમીનની માલિકી કે ઝોનિંગ અંગેના કાનૂની પ્રમાણપત્ર તરીકે માન્ય રહેશે નહીં.

આ ઉપરાંત અધિકારીઓ માટે ડેશબોર્ડ, રિપોર્ટ અને AI આધારિત ટૂલ્સની સુવિધા પણ વિકસાવવામાં આવશે. તેના દ્વારા રેકોર્ડમાં ખૂટતી વિગતો ઓળખવા, પત્રોના ડ્રાફ્ટ તૈયાર કરવા અને પ્લાનિંગના નિયમોની પ્રાથમિક તપાસ કરી શકાશે. TP સ્કીમની જાહેરાતથી લઈને મંજૂરી અને કાનૂની કાર્યવાહી સુધીની પ્રક્રિયાનું ડિજિટલ ટ્રેકિંગ પણ થશે.
આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યની 26 પ્લાનિંગ ઓથોરિટીઝ આવરી લેવામાં આવશે. અંદાજે 2,01,480 હેક્ટર વિસ્તારના DPનું ડિજિટાઇઝેશન, 2,623 હેક્ટરની નવી TPS માહિતીનો સમાવેશ, 411 જૂના TPS રેકોર્ડનું સ્થળાંતર અને આશરે 107 સ્કીમનું અપગ્રેડેશન કરવામાં આવશે. સમગ્ર પોર્ટલ આગામી 12 મહિનામાં અમલી બનાવવાનું આયોજન છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: અમદાવાદ મિરર



