મોરબીના ખાખરેચીમાં 35 વર્ષના કરાર હેઠળ નવું ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ વિકસાવાશે

અમદાવાદ: Built India Media: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા મોરબી જિલ્લાના ખાખરેચી ખાતે નવું ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ (GCT) વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટના વિકાસ માટે Emirates Logistics India Private Limitedને 35 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
પ્રોજેક્ટ હેઠળ રેલવેની 80,413 ચોરસ મીટર જમીન પર ખાનગી રોકાણથી આધુનિક માલસામાન લોડિંગ અને અનલોડિંગ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ ટર્મિનલથી મોરબી સહિત આસપાસના ઔદ્યોગિક વિસ્તારોને રેલવે મારફતે માલ પરિવહન માટે વધુ સારી લોજિસ્ટિક્સ સુવિધા મળશે.કરાર મુજબ, ભારતીય રેલવેને આ ટર્મિનલથી વાર્ષિક રૂ. 15 લાખથી વધુની જમીન લાઇસન્સ ફી મળવાની અપેક્ષા છે. આ ઉપરાંત રેવન્યુ-શેરિંગ વ્યવસ્થા હેઠળ વધારાની આવક પણ થશે. ખાનગી રોકાણ દ્વારા આ સુવિધાઓ વિકસાવવાથી રેલવે પર સીધા મૂડીરોકાણનો બોજ પણ નહીં આવે.

હાલમાં અમદાવાદ ડિવિઝનમાં 8 ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત છે. એપ્રિલથી ઑક્ટોબર 2026 દરમિયાન આ ટર્મિનલ્સ પરથી 1,700થી વધુ રેક અને 65,000થી વધુ વેગનનું લોડિંગ કરવામાં આવ્યું હતું. આ સમયગાળામાં આશરે 23 લાખ ટન માલનું પરિવહન થયું હતું, જેના થકી ભારતીય રેલવેને રૂ. 330 કરોડથી વધુની આવક થઈ હતી.
આ પ્રોજેક્ટ PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ છે. તેના અમલથી મલ્ટિમોડલ કનેક્ટિવિટી મજબૂત બનશે, માલ પરિવહન માટે રેલવેનો ઉપયોગ વધશે અને રોડ પરિવહન પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



