ConstructionGovernmentInfrastructureNEWSPROJECTS

અમિત શાહના હસ્તે 9 નવેમ્બરે ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ

અમદાવાદ: Built India Media: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 9 નવેમ્બરે અમદાવાદના SG હાઈવે પર ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડીને જોડતા છ માર્ગીય એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કરશે. રૂ. 464 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલો 4 કિમી લાંબો આ કોરિડોર સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવશે.

આ કોરિડોરથી દરરોજ અંદાજે 2 લાખ વાહનચાલકોને લાભ થવાની અને SG હાઈવે પર ટ્રાફિકની સમસ્યા હળવી થવાની અપેક્ષા છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી સુધરશે અને સૌરાષ્ટ્રથી ઉજાલા સર્કલ થઈ ગાંધીનગર જતા વાહનચાલકોને પણ સરળતા મળશે. NHAI દ્વારા બે વર્ષથી વધુ સમયની કામગીરી બાદ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં વાહનચાલકોની અવરજવર માટે બંને તરફ ત્રણ-ત્રણ રેમ્પ બનાવવામાં આવ્યા છે.

અમિત શાહની મુલાકાત દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં રૂ. 1,500 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમાં રૂ. 700 કરોડથી વધુનાં કામોનું લોકાર્પણ અને રૂ. 364 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત સામેલ છે. AMCના 27 પ્રોજેક્ટ્સ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારનાં વિકાસકાર્યોનો પણ સમાવેશ થાય છે.

નવા સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ્સ, પાણીની ટાંકીઓ તેમજ વાડજના પરીક્ષિતલાલ નગર અને હનુમાનપુરા ચાલીના પુનર્વિકાસનાં કામો આ કાર્યક્રમમાં સામેલ છે. આ ઉપરાંત અમિત શાહની જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, જોકે તેનું સ્થળ હજુ નક્કી થયું નથી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close