કાલુપુર રેલવે સ્ટેશન પાસે રોડ પહોળો કરાશે, 17 મિલકતો પર અસર થવાની શક્યતા

અમદાવાદ: Built India Media: કાલુપુર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ વચ્ચે મુસાફરોની અવરજવર સરળ બનાવવા અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રોડ પહોળો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સારંગપુર સર્કલથી DCP ઝોન-3 કચેરી સુધીના હાલના 18 મીટર પહોળા રસ્તાને 30 મીટર પહોળો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
આ કામગીરીથી આશરે 17 મિલકતો પર અસર થવાની શક્યતા છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રસ્તામાં 2,965 ચોરસ મીટર જમીનનો સમાવેશ કરવામાં આવશે. આ અંગે AMCએ ગુજરાત પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમની કલમ 210 હેઠળ જાહેર નોટિસ બહાર પાડી નાગરિકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યાં છે.
બીજી તરફ, સારંગપુર સર્કલથી રોઝી સિનેમા તરફ જતા રસ્તા પર આવેલી દુકાનોના સંચાલકોને પણ AMC દ્વારા નોટિસ આપવામાં આવી છે. જરૂરી કાયદાકીય અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અડચણો દૂર કરીને રસ્તો જાહેર ઉપયોગ માટે ખુલ્લો મૂકવાની યોજના છે.

કાલુપુર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ બાદ દરરોજ આશરે 3.12 લાખ મુસાફરોની અવરજવર થવાની અપેક્ષા છે. આથી, રસ્તા પહોળા કરવાથી સ્ટેશન સુધીની કનેક્ટિવિટી સુધરશે અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



