કંડલાના ટુના ટેકરા ખાતે ₹2,276 કરોડના કાર્ગો ટર્મિનલનો વિકાસ કરશે એસ્સાર પોર્ટ્સ

કંડલા: Built India Media: એસ્સાર પોર્ટ્સ લિમિટેડને ગુજરાતના કંડલા ખાતે ટુના ટેકરા મલ્ટિપર્પઝ કાર્ગો ટર્મિનલ વિકસાવવા માટે દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) તરફથી લેટર ઑફ અવોર્ડ (LoA) મળ્યો છે. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ બનનારા આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ ₹2,276.06 કરોડ છે.
આ પ્રોજેક્ટમાં એસ્સાર પોર્ટ્સ ₹1,552.57 કરોડનું રોકાણ કરશે, જ્યારે DPA ₹723.49 કરોડનું યોગદાન આપશે. ટર્મિનલની વાર્ષિક કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા 18.33 મિલિયન ટન હશે. તેમાં 300 મીટર લાંબા ચાર બર્થ બનાવાશે, જે કુલ 1,200 મીટરની બર્થ લંબાઈ ધરાવશે અને 1,70,000 DWT સુધીનાં મોટાં જહાજોને સંભાળી શકશે.

પ્રોજેક્ટ હેઠળ DPA પ્રવેશ ચેનલ, બર્થ અને જહાજો ફેરવવાના વિસ્તારોમાં ડ્રેજિંગ તેમજ સામાન્ય એપ્રોચ રોડ જેવી સુવિધાઓ પૂરી પાડશે. ટર્મિનલનો વિકાસ પર્યાવરણીય નિયમો અને ગ્રીન પોર્ટ નીતિ અનુસાર કરવામાં આવશે.
આ ટર્મિનલથી હાલના ડ્રાય કાર્ગો બર્થ પરનું ભારણ ઘટશે, માલસામાનની હેરફેર વધુ કાર્યક્ષમ બનશે અને મોટા જહાજોની અવરજવરથી દરિયાઈ પરિવહન તથા લોજિસ્ટિક્સ ક્ષેત્રને વેગ મળવાની અપેક્ષા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



