GovernmentInfrastructureNEWSPROJECTS

PM મોદીના હસ્તે બનાસ ડેરીના રૂ. 325 કરોડના પશુ સંવર્ધન અને સંશોધન કેન્દ્રનું લોકાર્પણ થશે

બનાસકાંઠા: Built India Media: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબર, 2026ના રોજ ભીલડી ખાતે બનાસ ડેરીના પાંચ મહત્ત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં રૂ. 325 કરોડના ખર્ચે 127 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું લોકાર્પણ મુખ્ય આકર્ષણ રહેશે.

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ટેકનિકલ માર્ગદર્શન અને રાષ્ટ્રીય ગોકુલ મિશનના સહયોગથી તૈયાર થયેલું આ કેન્દ્ર દેશી પશુઓની ઓલાદ સુધારવા અને દૂધ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે. અહીં OPU-IVF અને એમ્બ્રિયો ટ્રાન્સફર જેવી આધુનિક પ્રજનન તકનીકોનો ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા પશુઓનું સંવર્ધન કરવામાં આવશે. કેન્દ્રનો વાર્ષિક 25,000 ઉચ્ચ ગુણવત્તાવાળા એમ્બ્રિયો તૈયાર કરવાનો લક્ષ્યાંક છે.

કેન્દ્રમાં કાંકરેજ, ગીર, સાહિવાલ અને થરપારકર જેવી દેશી ગાયોની જાતો તથા મહેસાણી, બન્ની, જાફરાબાદી અને મુર્રા જેવી ભેંસોની જાતોના સુધારણા પર ધ્યાન અપાશે. ઉચ્ચ ગુણવત્તાવાળા બળદ, સીમેન અને એમ્બ્રિયો ખેડૂતોને પોષણક્ષમ દરે ઉપલબ્ધ કરાવવાની યોજના છે.

આ પહેલથી પશુપાલકોની દૂધ ઉત્પાદન ક્ષમતા અને આવક વધારવામાં મદદ મળશે. સાથે જ પશુપાલન ક્ષેત્રનું આધુનિકીકરણ થશે અને ગ્રામીણ પરિવારો તથા મહિલાઓની આજીવિકાને મજબૂતી મળશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close