તમામ બાંધકામોના પ્લાન અને નકશા હવે મળશે ઓનલાઈન, મનપાએ લીધો મહત્વનો નિર્ણય

અમદાવાદ: Built India Media: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરના તમામ બાંધકામોના જૂના અને નવા પ્લાન, નકશા તથા મંજૂરી સંબંધિત દસ્તાવેજો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે મનપા દ્વારા ₹1 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સમગ્ર કામગીરી આગામી છ મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
હાલમાં કોઈપણ બાંધકામના જૂના કે નવા પ્લાન અથવા નકશાની નકલ મેળવવા માટે નાગરિકો અને મિલકતધારકોએ મનપાની કચેરીમાં જઈ નિર્ધારિત ફી ભરવી પડતી હતી. આ પ્રક્રિયા બાદ પણ જરૂરી દસ્તાવેજો મેળવવા માટે ઓછામાં ઓછા સાત દિવસ રાહ જોવી પડતી હતી. નવી વ્યવસ્થા શરૂ થતાં નાગરિકોને આ પ્રક્રિયામાંથી રાહત મળશે.

આ યોજનાના ભાગરૂપે મનપામાં વર્ષોથી સંગ્રહિત તમામ જૂના અને નવા બાંધકામના રેકોર્ડનું સઘન સ્કેનિંગ કરવામાં આવશે. તેમાં અધિકૃત પ્લાન, નકશા અને મંજૂરી સંબંધિત દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપમાં સુરક્ષિત કરવામાં આવશે. સ્કેનિંગ પૂર્ણ થયા બાદ આ દસ્તાવેજો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.
નવી ડિજિટલ વ્યવસ્થાથી નાગરિકો ઘરેથી જ બાંધકામ સંબંધિત જરૂરી દસ્તાવેજો અને નકશા મેળવી શકશે. આથી કચેરીના ધક્કા ઘટશે, સમયની બચત થશે અને દસ્તાવેજો મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. સાથે જ બાંધકામ સંબંધિત રેકોર્ડની ઉપલબ્ધતા અને વહીવટી પારદર્શિતા વધવાની અપેક્ષા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: સંદેશ



