અમદાવાદમાં 8 મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

અમદાવાદ: Built India Media: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સતત વિકાસ કરવામાં આવી રહ્યો છે. નારણપુરા અને વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાદ હવે શહેરના વિવિધ વિસ્તારોમાં મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
આગામી વર્ષોમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ જેવા આંતરરાષ્ટ્રીય રમતોત્સવોની યજમાનીની સંભાવનાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં રમતગમતની સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

હાલમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં અંદાજે ચાર-ચાર મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ ચાલી રહ્યું છે. આ સુવિધાઓ તૈયાર થયા બાદ આસપાસના નાગરિકોને રમતગમત અને વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ માટે પોતાના ઘરની નજીક જ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકશે.
આ તમામ મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સથી અમદાવાદના રમતગમતના માળખાને વધુ મજબૂતી મળવાની સાથે સ્થાનિક સ્તરે રમતવીરોને પ્રોત્સાહન મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા



