GovernmentInfrastructureNEWSPROJECTS

ગુજરાતમાં ₹3,903 કરોડના રોકાણ સાથે 25 ઔદ્યોગિક એકમોને સહાયની મંજૂરી

ગાંધીનગર: Built India Media: ગુજરાત સરકારે રાજ્યના 25 ઔદ્યોગિક એકમોને કુલ ₹3,903.30 કરોડના રોકાણના પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય મેળવવા અંતિમ પાત્રતા પ્રમાણપત્રો આપવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સથી રાજ્યમાં અંદાજે 8,178 રોજગારીની તકો ઊભી થવાની શક્યતા છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય સમિતિની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. આ પૈકી 22 એકમોને ઔદ્યોગિક નીતિ-2015 હેઠળ ₹1,631.90 કરોડના રોકાણ માટે, જ્યારે ત્રણ મોટા ઔદ્યોગિક એકમોને આત્મનિર્ભર ગુજરાત યોજના-2022 હેઠળ ₹2,271.40 કરોડના રોકાણ માટે મંજૂરી મળી છે.

આ એકમો અમદાવાદ, મોરબી, ભરૂચ, કચ્છ, વડોદરા, મહેસાણા, ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત છે. ઓટોમોબાઇલ, ટેક્સટાઇલ, પ્લાસ્ટિક, કાગળ, કેમિકલ, સિરામિક અને મેટલ ક્ષેત્રના પાત્ર એકમોને નેટ SGST સહાય, વ્યાજ સબસિડી અને કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)ની ભરપાઈ જેવા પ્રોત્સાહનો મળશે.

આ ઔદ્યોગિક રોકાણોથી રાજ્યમાં રોજગારીની નવી તકો ઊભી થવાની સાથે રિયલ એસ્ટેટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને પણ વેગ મળવાની સંભાવના છે. નવા ઔદ્યોગિક એકમોની સ્થાપનાથી વેરહાઉસિંગ, માલ પરિવહન અને સપ્લાય ચેઇન સેવાઓની માંગ વધી શકે છે. સાથે જ, ઔદ્યોગિક વિસ્તારોની આસપાસ રહેણાંક અને વ્યાવસાયિક મિલકતોની માંગ વધવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળી શકે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close