અમદાવાદ મેટ્રોનું સાબરમતી રેલવે સ્ટેશન 28 નવેમ્બરથી મુસાફરો માટે ખુલશે

અમદાવાદ: Built India Media: અમદાવાદ મેટ્રો નેટવર્કનું સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન 28 નવેમ્બર 2026થી મુસાફરો માટે કાર્યરત થશે. આ સાથે મેટ્રો ફેઝ-1નાં તમામ 32 સ્ટેશન કાર્યરત બનશે અને 40.03 કિલોમીટરનું સમગ્ર નેટવર્ક પૂર્ણ થશે. આ સ્ટેશનથી મુસાફરોને સાબરમતી રેલવે સ્ટેશન સુધી મેટ્રો કનેક્ટિવિટી મળશે.
સાબરમતી મેટ્રો સ્ટેશન શરૂ થતાં ઈસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથ કોરિડોરનાં તમામ સ્ટેશન કાર્યરત થશે. અગાઉ આ નેટવર્કનાં 31 સ્ટેશન કાર્યરત હતાં. ફેઝ-1માં ઈસ્ટ-વેસ્ટ કોરિડોરનાં 17 અને નોર્થ-સાઉથ કોરિડોરનાં 15 સ્ટેશનનો સમાવેશ થાય છે.

સાબરમતી સ્ટેશનથી પ્રથમ મેટ્રો સેવા એપીએમસી તરફ સવારે 6:27 વાગ્યે, મહાત્મા મંદિર તરફ સવારે 6:45 વાગ્યે અને ગિફ્ટ સિટી તરફ સવારે 7:11 વાગ્યે ઉપડશે. છેલ્લી સેવા એપીએમસી તરફ રાત્રે 11:10 વાગ્યે, કોતેશ્વર રોડ તરફ 11:35 વાગ્યે, મહાત્મા મંદિર તરફ રાત્રે 9:10 વાગ્યે અને ગિફ્ટ સિટી તરફ સાંજે 6:32 વાગ્યે ઉપડશે.
અમદાવાદ મેટ્રો ફેઝ-1માં એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધીનો નોર્થ-સાઉથ કોરિડોર અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીનો ઈસ્ટ-વેસ્ટ કોરિડોર સામેલ છે. સાબરમતી સ્ટેશન શરૂ થવાથી સમગ્ર નેટવર્કના 32 સ્ટેશન મુસાફરો માટે ઉપલબ્ધ બનશે. મેટ્રોની વિગતવાર સમયસૂચિ 28 નવેમ્બરથી સંબંધિત વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



