મોટેરા-કરાઈમાં જમીનના ઝોનમાં ફેરફાર, સ્પોર્ટ્સ એન્ક્લેવના વિકાસને વેગ મળશે

અમદાવાદ: Built India Media: અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ની 312મી બોર્ડ બેઠકમાં મોટેરા વિસ્તારમાં જમીનના ઝોનમાં ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના આયોજનને ધ્યાનમાં રાખીને A1 ઝોનની જમીનને R1 ઝોનમાં ફેરવવાની મંજૂરી આપવામાં આવી છે.
મોટેરા વિસ્તારના સર્વે નંબર/બ્લોક નંબર 282/અ/પૈકીની જનરલ એગ્રીકલ્ચર ઝોન-1 (A1)ની જમીનને રહેણાંક ઝોન-1 (R1)માં ફેરવવાનો નિર્ણય ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-19 હેઠળ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો છે.

આ ઝોન ફેરફારથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવમાં સ્ટેડિયમ ઉપરાંત અન્ય જરૂરી સુવિધાઓના વિકાસનો માર્ગ મોકળો થશે. અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર કરવા તેમજ ભવિષ્યમાં ઓલિમ્પિક્સની દાવેદારીને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂકાઈ રહ્યો છે.
AUDA દ્વારા અમદાવાદ અને આસપાસના સેટેલાઇટ વિસ્તારોના આયોજનબદ્ધ અને સંકલિત વિકાસ માટે પણ વિવિધ કામગીરી હાથ ધરાઈ રહી છે. સ્પોર્ટ્સ એન્ક્લેવના વિકાસથી આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ સાથે નાગરિકો માટેની વિવિધ સુવિધાઓ વિકસાવવાનો માર્ગ પણ સરળ બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા



