સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2નું 82% કામ પૂર્ણ, ડિસેમ્બર 2027 સુધીમાં સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા

અમદાવાદ: Built India Media: સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-2નું 82% કામ પૂર્ણ થઈ ગયું છે. ₹1,285 કરોડના ખર્ચે દફનાળાાથી ઈન્દિરા બ્રિજ સુધી બંને કાંઠે આશરે 11 કિમી વિસ્તારમાં આ વિકાસકાર્યો હાથ ધરાઈ રહ્યા છે.
ફેઝ-2માં રિટેનિંગ વોલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ₹399.39 કરોડના કામમાંથી 89.50% કામ પૂર્ણ થઈ ગયું છે. સમગ્ર ફેઝ-2નું કામ ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. અહીં ગ્રીન સ્પેસ, સ્ટેપ્ડ એમ્બેન્કમેન્ટ, બાળકો માટે પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, બેઠક વ્યવસ્થા તેમજ કલા-સંસ્કૃતિ અને મનોરંજન માટેની સુવિધાઓ વિકસાવવામાં આવશે.

સાથે જ ઈન્દિરા બ્રિજથી નર્મદા મેઈન કેનાલ સુધી ફેઝ-3નું કામ પણ શરૂ થઈ ગયું છે. ₹1,000 કરોડના આ પ્રોજેક્ટનું 17% કામ પૂર્ણ થયું છે. બંને કાંઠે 10 વ્યૂઇંગ પ્લાઝા, ગ્રીન ઝોન અને 20 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. ફેઝ-3નું કામ 2028-29 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
આ ઉપરાંત અચેર અને કેમ્પ સદર બજાર વચ્ચે ₹293.42 કરોડના ખર્ચે 1,048 મીટર લાંબો છ-લેન બેરેજ-કમ-બ્રિજ બની રહ્યો છે, જેમાં 35.25% કામ પૂર્ણ થયું છે. રિવરફ્રન્ટના વિસ્તરણ બાદ વાસણા બેરેજથી ઈન્દિરા બ્રિજ સુધીનો વિસ્તાર 34 કિમી સુધી પહોંચશે, જેનાથી પરિવહન, મનોરંજન અને જાહેર સુવિધાઓ માટે વધુ વિશાળ રિવરફ્રન્ટ કોરિડોર ઉપલબ્ધ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



