અમદાવાદમાં સાબરમતી નદી પર બુલેટ ટ્રેનનો 480 મીટર લાંબો બ્રિજ તૈયાર

અમદાવાદ: Built India Media: અમદાવાદમાં સાબરમતી નદી પર બુલેટ ટ્રેન કોરિડોર માટે બનાવવામાં આવેલો 480 મીટર લાંબો બ્રિજ પૂર્ણ થયો છે. આશરે 36 મીટર ઊંચો આ બ્રિજ 12 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવે છે અને સાબરમતી તથા અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે.
બ્રિજમાં કુલ 8 ગોળાકાર પિયર બનાવવામાં આવ્યા છે. તેમાં 4 પિયર નદીના પટમાં, 2 નદીના કાંઠા પર અને 2 કાંઠાની બહાર છે. લાંબા સ્પાનના કારણે નદીના પટમાં પિયરની સંખ્યા ઘટાડવામાં આવી છે, જેથી પાણીના પ્રવાહમાં ઓછો અવરોધ રહે.

બ્રિજમાં 76 મીટરના 5 સ્પાન અને 50 મીટરના 2 સ્પાન છે. દરેક સ્પાનમાં 23 સેગમેન્ટનો ઉપયોગ થયો છે. લાંબા સ્પાન માટે બેલેન્સ્ડ કેન્ટિલિવર પદ્ધતિથી બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં નદીની નીચે પરંપરાગત સ્કેફોલ્ડિંગની જરૂર પડતી નથી.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ 25 નદી પરના બ્રિજ છે, જેમાં ગુજરાતમાં 21 અને મહારાષ્ટ્રમાં 4નો સમાવેશ થાય છે. ગુજરાતમાં નિર્ધારિત 21માંથી 18 નદી બ્રિજનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



