અમિત શાહે ઉમિયાધામ સોલામાં હોસ્ટેલનું કર્યું ઉદ્દઘાટન, 75વર્ષમાં પાટીદાર સમાજે રાજ્યના વિકાસમાં આપ્યો છે મોટો ફાળો.

કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા “માં ઉમિયાધામ” કેમ્પસ સોલા અમદાવાદ ખાતે 1600 વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓની માટે નિર્મિત હોસ્ટેલનું ઉદ્દઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. તે દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજકોટના સાંસદ પુરૂષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે, અમિત શાહે, આ હોસ્ટેલના નામકરણના દાતાશ્રી માણસના ધારાસભ્ય જે. એસ. પટેલ અને શ્રી અરવિંદભાઈ પટેલ પૂર્વ મંત્રી (એપોલો ગ્રુપ)નું સન્માન કર્યું હતું. સાથે સાથે, 31 કરોડના મુખ્ય દાતાશ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ અને 15 કરોડના દાતાશ્રી સી કે. પટેલનું પણ સન્માન કર્યું હતું.

અમિત શાહે પ્રાસંગિક ઉદ્દબોધન આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતના 75 વર્ષના વિકાસના ઇતિહાસમાં પાટીદાર સમાજનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. અને પાટીદારો શિક્ષણ, આરોગ્ય, સમાજ સેવા અને ધાર્મિક સેવા સહિતના દરેક ક્ષેત્રમાં જે યોગદાન આપી રહ્યા છે. તે સર્વ માટે પ્રેરણાદાઈ છે. તેમ જણાવી સમગ્ર પાટીદાર સમાજને અભિનંદન આપ્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહ અને ભુપેન્દ્ર પટેલના વરદ્દ હસ્તે રૂપિયા 5 કરોડ તથા રૂપિયા એક કરોડનું દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રી ઋષિકેશ પટેલ અને પરસોત્તમ રૂપાલાએ તેમના પ્રવચનમાં સંસ્થાના કાર્યકરો અને દાતાશ્રીઓને બિરદાવ્યા હતા,અને દીકરીઓને વધુ અભ્યાસ કરાવવા પ્રોત્સાહન આપવા સર્વને વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અમિત શાહ અને ભુપેન્દ્ર પટેલે 1600 છોકરા-છોકરીઓ રહી શકે તેવી અદ્યતન સગવડો વાળી વિશાળ હોસ્ટેલનું ઉદ્દઘાટન કર્યું અને ભવનનું નિરીક્ષણ કર્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



