વડાપ્રધાન મોદી 28 મે-2023ના રોજ નવનિર્મિત સંસદભવનનું કરશે ઉદ્દઘાટન, નવું સંસદભવન બનશે ન્યૂ ઈન્ડિયાનું સાક્ષી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મે-2023ના રોજ નવનિર્મિત સંસદભવનનું ઉદ્ધઘાટન કરશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ અને તેમને આમંત્રણ આપ્યા બાદ લોકસભા સચિવાલયે નવા સંસદભવનના ઉદ્દઘાટન કરવાની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, 28 મેના રોજ વીર સાવરકરની 140મી જન્મજયંતિ છે, તે જ દિવસે નવા સંસદભવનનું ઉદ્દઘાટન કરીને વીર સાવરકરને પુષ્પાજંલિ અર્પણ કરવામાં આવશે.
લોકશાહીનું મંદિર અને ન્યૂ ઈન્ડિયાના સાક્ષી સમા નવનિર્મિત સંસદભવનના ભૂમિપૂજન સમારોહ પછી 1 ઓક્ટોબર, 2020ના રોજ તેના પર બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. અને 28 મેના રોજ ઉદ્દઘાટન કરવામાં આવી રહ્યું છે.
ડિઝાઈન અને સ્થાન
દેશના મોટા ઉદ્યોગપતિ ટાટા ગ્રુપની ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા નિર્મિત અને 900 કરોડથી વધારે કિંમતનું નવનિર્મિત સંસદભવન 4 માળ ધરાવે છે અને 65000 ચોરસ મીટરના બિલ્ટ અપ એરિયામાં વિસ્તરેલું છે. નવનિર્મિત સંસભવન દેશના 136 કરોડ ભારતીયોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત છે. સાથે સાથે આત્મનિર્ભર ભારતનું પ્રતિક બનશે. અમદાવાદના HCP ડિઝાઈન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટના ડાયરેક્ટર અને દેશના જાણીતા આર્કીટેક્ટ પદ્મશ્રી ડૉ. બિમલ પટેલ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે અને તેમાં ભારતના રાષ્ટ્રીય પ્રતિકની 6.5 મીટર ઊંચી પ્રતિમાનો સમાવેશ થાય છે. જેમાં ચાર એશિયાટિક સિંહો પાછળ-પાછળ માઉન્ટ થયેલ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.