સરખેજથી ધોલેરા વચ્ચે 109 કિમી. લાંબી નવી રેલ્વેલાઈન નંખાશે, તો ધોલેરાથી લોથલ વચ્ચે 20 કિમી. રેલ્વેલાઈનનું પ્લાનિંગ- કેન્દ્ર સરકારની મંજૂરી

કેન્દ્ર સરકારે ગુજરાતમાં અમલમાં આવનારા બે મહત્વના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન અને કાનૂની પ્રક્રિયાઓ ઝડપી બનાવવા જિલ્લા સ્તરના અધિકારીઓને સક્ષમ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવ્યા છે. આ અંગે કેન્દ્ર સરકારે બે અલગ-અલગ ગેઝેટ નોટિફિકેશન જાહેર કર્યા છે. આ બંને પ્રોજેક્ટ્સ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ આવે છે.

પ્રથમ ગેઝેટ નોટિફિકેશન S.O. 5598(E) મુજબ, સરખેજથી ધોલેરા વચ્ચેની નવી બ્રોડગેજ ડબલ લાઇન અને લોથલ સ્પર લાઇન પ્રોજેક્ટ માટે અધિકારીઓને સત્તા આપવામાં આવી છે. સરખેજથી ધોલેરા વચ્ચેની નવી ડબલ લાઇનની લંબાઈ 109.16 કિમી છે, જ્યારે આવનારા લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ અને ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને જોડતી સ્પર લાઇનની લંબાઈ 20.40 કિમી રહેશે.
બીજા ગેઝેટ નોટિફિકેશન S.O. 5597(E) હેઠળ, સાબરમતી ડી કેબિનથી સરખેજ વચ્ચેની રેલવે લાઇન ડબલિંગ યોજનામાં પશ્ચિમ અમદાવાદના પ્રાંત અધિકારીને સક્ષમ અધિકારી બનાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટની કુલ લંબાઈ અંદાજે 21 કિમી છે અને તે અમદાવાદ જિલ્લાના સાબરમતી અને વેજલપુર તાલુકામાં આવે છે. પ્રોજેક્ટના અમલીકરણ, સંચાલન અને સંબંધિત જમીન તથા કાનૂની કામગીરીની જવાબદારી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે.

આ પ્રોજેક્ટ હેઠળ, વેજલપુર વિસ્તાર માટે પશ્ચિમ અમદાવાદના પ્રાંત અધિકારી અને ધોલેરા વિસ્તાર માટે ધંધુકાના પ્રાંત અધિકારીને સક્ષમ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
બન્ને નોટિફિકેશન રેલવે મંત્રાલય (પશ્ચિમ રેલવે – કન્સ્ટ્રક્શન ઓર્ગેનાઇઝેશન) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને ગેઝેટમાં પ્રકાશિત થતાની સાથે જ અમલમાં આવ્યા છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે આ પગલાથી જમીન સંપાદન, મંજૂરીઓ અને અન્ય કાનૂની પ્રક્રિયાઓ સરળ બનશે અને પ્રોજેક્ટ્સના અમલમાં ઝડપ આવશે.
આ રેલવે પ્રોજેક્ટ્સ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR), લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ અને આસપાસના ઉદ્યોગિક તથા આર્થિક હબ્સ સાથે કનેક્ટિવિટી મજબૂત કરશે, જેના કારણે પ્રદેશના ઔદ્યોગિક વિકાસ, પ્રવાસન અને રોજગારના અવસરોમાં વધારો થવાની અપેક્ષા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દેશગુજરાત સમાચાર



