ગુજરાતમાં 2026-27માં 15 હજાર સરકારી ઈમારતો પર રૂફટોપ સોલારનું લક્ષ્ય

ગાંધીનગર: Built India Media: ગુજરાત સરકારે 2026-27 દરમિયાન 15,000થી વધુ સરકારી ઈમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ યોજનાથી આશરે 65 મેગાવોટ નવી સૌર ઊર્જા ક્ષમતા ઉમેરાશે.
હાલમાં રાજ્યની 6,014 સરકારી ઈમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમથી 95 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. વર્ષ 2025-26માં 1,377 સરકારી ઈમારતો પર સિસ્ટમ સ્થાપિત કરીને 17.1 મેગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા ઉમેરવામાં આવી હતી.

આ માટે રાજ્ય સરકારે 2026-27માં ₹314 કરોડની ફાળવણી કરી છે. જેમાં સામાન્ય સરકારી ઈમારતો માટે ₹278 કરોડ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની ઈમારતો માટે ₹3 કરોડ અને આદિજાતિ વિકાસ વિભાગ માટે ₹33 કરોડનો સમાવેશ થાય છે.
આ પહેલથી સરકારી કચેરીઓમાં પરંપરાગત વીજળીનો વપરાશ અને વીજ ખર્ચ ઘટાડવા સાથે પ્રદૂષણમાં પણ ઘટાડો થવાની અપેક્ષા છે. સાથે જ સરકાર દ્વારા IIoT આધારિત મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જે સ્માર્ટ મીટર, સેન્સર અને IoT ગેટવે દ્વારા સોલાર સહિતની નવીનીકરણીય ઊર્જા સિસ્ટમની કામગીરી પર નજર રાખશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઈન્ડિયા



