સુરત મેટ્રો:ડ્રીમ સિટીથી અલ્થાણ વચ્ચે ટ્રાયલ રન શરુ, અંદાજે 15 દિવસ સુધી ચાલશે ટ્રાયલ

સુરત: Built India Media: હાલ સુરત મેટ્રોની નિર્માણકાર્ય કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL) દ્વારા 29 માર્ચથી ડ્રીમ સિટી અને અલ્થાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિમીના એલિવેટેડ રૂટ પર સફળ ટ્રાયલ રન શરુ કર્યો છે. આ રૂટ કોરિડોર-1નો ભાગ છે, જે સરથાણા અને ડ્રીમ સિટી વચ્ચે કુલ 21.61 કિમી લાંબો છે.

આ ટ્રાયલ રન અંદાજે 15 દિવસ સુધી ચાલશે, જેમાં મેટ્રોની સુરક્ષા વ્યવસ્થા, સેફ્ટી મિકેનિઝમ અને વિવિધ ટેક્નિકલ ક્ષમતાનું વિસ્તૃત પરીક્ષણ કરવામાં આવશે. મેટ્રો સેવા શરૂ કરતા પહેલાં સિસ્ટમ સંપૂર્ણ રીતે તૈયાર છે કે નહીં તે ચકાસવા માટે આ ટ્રાયલ મહત્વપૂર્ણ છે.
આંતરિક ટ્રાયલ પૂર્ણ થયા બાદ RDSO (Research Designs and Standards Organisation) અને CMRS (Commissioner of Metro Rail Safety) દ્વારા પણ મેટ્રો ટ્રેન, ટ્રેક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સિગ્નલિંગ સિસ્ટમનું નિરીક્ષણ કરવામાં આવશે. કોમર્શિયલ મેટ્રો સેવા શરૂ કરવા માટે CMRSની મંજૂરી ફરજિયાત રહેશે.

હાલ 7 સ્ટેશનોનું કામ પૂર્ણ
સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરી અંગે અધિકારીઓએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 7 મેટ્રો સ્ટેશનોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. બાકીના વિસ્તારોમાં પણ મેટ્રો સંબંધિત કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.
40 કિમીના બે કોરિડોર
સુરત મેટ્રો ફેઝ-1ની કુલ લંબાઈ આશરે 40 કિમી છે, જેમાં બે કોરિડોરનો સમાવેશ થાય છે. કોરિડોર-1 સરથાણાથી ડ્રીમ સિટી વચ્ચે 21.61 કિમીનો છે, જ્યારે કોરિડોર-2 ભેસાણથી સારોલી વચ્ચે 18.74 કિમીનો રહેશે. બંને કોરિડોર શહેરના અલગ-અલગ વિસ્તારોને જોડશે.
સુરતના શહેરી વિકાસને મળશે વેગ
સુરતમાં મેટ્રો સેવા શરૂ થવાથી શહેરના અર્બન ડેવલપમેન્ટ અને ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટો વેગ મળવાની અપેક્ષા છે. મેટ્રો જેવી ઝડપી અને સુવિધાજનક જાહેર પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ થતાં ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટી શકે છે. સુરત મેટ્રો ફેઝ-1નું સમગ્ર નેટવર્ક 2027ના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



