અમદાવાદ ના બોપલ અને નેહરુનગર ને મળશે નવી મેટ્રો કનેક્ટિવિટી

અમદાવાદ: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ મેટ્રોના ત્રીજા તબક્કાના વિસ્તરણ માટેની તૈયારીઓ તેજ કરી છે. આશરે ₹2,825 કરોડના ફેઝ-3 પ્રોજેક્ટ હેઠળ ત્રણ નવા મેટ્રો-કમ-RRTS કોરિડોર વિકસાવવામાં આવશે.
આ ત્રણેય કોરિડોર મળીને 48.48 કિમી લાંબા અને કુલ 32 સ્ટેશન ધરાવશે. વકીલ બ્રિજ-બાદરાબાદ, APMC-રખિયાલ અને મલેક સાહેબાન સ્ટેડિયમ-નેહરુનગર કોરિડોરથી અમદાવાદના વિવિધ વિસ્તારોને ઝડપી જાહેર પરિવહન જોડાણ મળશે.

પ્રોજેક્ટ માટે ભૂગર્ભ વીજળી, પાણી, ગેસ, ગટર અને ટેલિકોમ લાઇનો ખસેડવાની કામગીરી માટે ₹35.81 કરોડના ચાર ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. આ કામગીરીથી મેટ્રોના બાંધકામ દરમિયાન રસ્તાઓનું વારંવાર ખોદકામ અને કામમાં થતા વિલંબને ઘટાડવામાં મદદ મળશે.
આ ઉપરાંત, પ્રસ્તાવિત 60 કિમીના સર્ક્યુલર મેટ્રો રૂટને ધોલેરા એરપોર્ટ તરફ લંબાવવાની પણ યોજના છે. રાજ્યના મેટ્રો નેટવર્કના વિસ્તરણથી અમદાવાદની શહેરી અને પ્રાદેશિક કનેક્ટિવિટી વધુ મજબૂત બનવાની અપેક્ષા છે.
ટીમ બિલ્ટ ઇન્ડિયા



