દેશમાં પ્રથમ સી પ્લેન માટે અમદાવાદ અને કેવડિયા કોલોની ખાતે વોટર એરોડ્રમ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વોટર એરોડ્રામ માટે 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડાઈ ધરાવતી જેટી તૈયાર કરવામાં આવશે. જો કે હાલમાં એક જ સી પ્લેનનો ઉપયોગ થવાનો હોઈ જેટી 24 મીટરની રહેશે. આ માટે 12 મીટર લાંબા અને 3 મીટર પહોળા એક પોન્ટુન મળી કુલ 6 પોન્ટુનની મદદથી રિવરફ્રન્ટ ખાતે જેટી બનશે. વધુમાં કોંક્રીટથી તૈયાર થયેલી આ જેટી અંદરથી પોલી છે અને તેમાં વચ્ચે એક્સપાન્ડેડ પોલિસ્ટાયરિન (ઈપીએસ) ભરવામાં આવેલ છે જેથી જેટી લીજેક થાય ત્યારે પણ તેમાં પાણી નહીં ભરાય અને હંમેશા તરતી જ રહેશે.
જેટી તૈયાર કરતી કંપની મરીન ટેક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ દત્તાએ જણાવ્યું કે, જેટી માટે નદીમાં પાણીનું લેવલ ઓછામાં ઓછું 3 ફૂટ રાખવું પડશે. જેટીની ઊંચાઈ 1 મીટર છે જેમાંથી અડધી જેટી પાણીમાં રહેશે અને અડધી પાણીની ઉપર રહેશે. આ જેટીનું વજન 18000 કિલોગ્રામ છે અને એકસાથે 1200 માણસ ઉભા રહી શકશે. તેનું આયુષ્ય 50 વર્ષનું છે. અગાઉ સ્ટીલ કે લાકડામાંથી જેટી તૈયાર કરાતી હતી અને તે ખૂબજ ખર્ચાળ હોવાની સાથે તેનું મહત્તમ આયુષ્ય 15 વર્ષ છે.
આંબેડકર બ્રિજ પાસે તૈયાર થનારા વોટર એરોડ્રામ માટેની જેટી રિવરફ્રન્ટની દિવાલથી 10 મીટરે ફીટ કરાશે. તેને રિવરફ્રન્ટ પર બે સ્થળે ફોલ્ડિંગ (મૂવેબલ) એંગલ સાથે લાંગરવામાં આવશે જેથી પાણીની સપાટી વધે કે ઘટે ત્યારે જેટી ઉપર કે નીચે જઈ શકે. જેટી ગોઠવ્યા બાદ તેની પર દોઢ મીટર પહોળો અને 11 મીટર લાંબો ગેંગવે (રિવરફ્ન્ટથી જેટી સુધી જવાનો રસ્તો) તૈયાર કરાશે. જે મૂવેબલ હશે.
એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ તૈયાર કરાશે. જ્યાં ટિકિટ કાઉન્ટરની સાથે સ્ટાફ બેસશે. આગામી દિવસોમાં એરોડ્રામની ઓફિસની આજુબાજુની જગ્યામાં ખાણીપીણીના સ્ટોલ, ઓફિસની બાજુમાં પાર્કિંગ પણ બનશે.
સૌજન્ય- દિવ્ય ભાસ્કર
7 Comments