પીરાણાના કચરામાંથી ગિફ્ટ: અમદાવાદમાં ઠેર ઠેર ગોઠવાયેલા બાંકડા અને પેવર બ્લોક
Gift from Pirana Garbage: Bankda and Paver Block arranged in Ahmedabad
લોકોના ઘરમાંથી અને રોડ પરથી લેવામાં આવતો કચરો હવે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર માટે આવક કરી આપે છે. શહેરમાંથી જે કચરો ભેગો કરવામાં આવે છે, તેમાંથી આવક ઉપરાંત લોકોને રોજીરોટી મળે છે. પીરાણા ડમ્પ સાઇટ ખાતે આવેલો કચરાનો ડુંગર હવે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. જેનું મુખ્ય કારણ ભેગા થતા કચરાને રિસાયકલ કરીને તેમાંથી ખાતર, પ્લાસ્ટિક વેસ્ટ, પેવર બ્લોક અને ફળદ્રુપ માટી ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે બાકીના કચરાનું બાયોમાઈનિંગ કરવાની કામગીરી પીરાણા ડમ્પ સાઇટ પર કરવામાં આવે છે. આ અંગે દિવ્યભાસ્કરે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકી સાથે ખાસ વાતચીત કરી હતી.
બે રીતે કચરો ભેગો કરવામાં આવે છે
હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાંથી દરરોજ 4500 મેટ્રિક ટન જેટલો કચરો ભેગો થાય છે અને તેનો પીરાણા ડમ્પિંગ સાઇટ પર નિકાલ કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાંથી ડોર ટુ ડોર તેમજ સ્પોર્ટ કલેક્શન એટલે કે રોડ પર જે કચરો ફેંકવામાં આવે છે તે બે રીતે કચરો ભેગો કરવામાં આવે છે. ઉપરાંત શહેરમાં વિવિધ 17 જગ્યાએ કન્સ્ટ્રકશન અને ડીમોલેશનમાં નીકળેલો કચરો ભેગો કરવામાં આવે છે. શહેરમાંથી આ રીતે દૈનિક કુલ 4500 મેટ્રિક ટન જેટલો કચરો ભેગો કરવામાં આવે છે.
પીરાણા ડમ્પ સાઇટ પરથી મુખ્યત્વે આ ત્રણ વસ્તુ નીકળે છે
પીરાણા ડમ્પ સાઇટ પર બાયોમાઇનિંગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.જેમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ નીકળે છે. જેમાં ખાતરમાં ઉપયોગ થઈ શકે તેવી માટી, પ્લાસ્ટિક અને મોટા રોડા, પથ્થરો હોય છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આસપાસના ગામડાના ખેડૂતોને પુરાણ કે સારી જગ્યા માટે માટી જોઈએ તો આપવામાં આવી છે. જેમાં આવા લોકોને અંદાજે 5 લાખ મેટ્રિક ટન માટી આપી છે. ગાર્ડન વિભાગને અને કોર્પોરેશનના પ્લોટના પુરાણ માટે પણ માટી આપવામાં આવે છે.
આ રીતે પીરાણા ડમ્પ સાઇટ સુધી પહોંચે છે કચરો
લોકોના ઘરેથી ડોર ટુ ડોર જે કલેક્શન કરવામાં આવે છે તે તમામ કચરો શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવેલા રેફ્યુઝ સ્ટેશન પર લઈ જવામાં આવે છે. જ્યાં અલગ-અલગ ગાડીઓમાં લોકોને ટ્રાફિક ના નડે તેવા રોડ પરથી એક ટન કચરો લઈ જવાની ક્ષમતાવાળી ગાડીમાં કચરો પીરાણા ડમ્પ સાઇટ પર લઈ જવામાં આવે છે અને ત્યાં આ પ્રોસેસ કરવામાં આવે છે. પીરાણા ડમ્પિંગ સાઇટ પર દરરોજ 12 થી 15 હજાર મેટ્રિક ટન જેટલો કચરો દૂર કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં 57 લાખ મેટ્રિક ટન જેટલો કચરો દૂર કરી 35 એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે. આમ શહેરમાંથી દરરોજ 4500 મેટ્રિક ટન જેટલો કચરો ભેગો કરવામાં આવે છે. પરંતુ તેને રિસાયકલ કરી અને તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર.
6 Comments