વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ જતાં 9 વ્યક્તિ દબાઈ હતી. ફાયરબ્રિગેડ દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 9 પૈકી 1 બાળક સહિત 3ને બચાવી લેવાયા હતા.
પાણીગેટના બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 4 માળની ઇમારત ઓચિંતી ધરાશાયી થઈ ગઈ હતી, જેને પગલે 9 વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. ધડાકાભેર ઇમારત તૂટી પડતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. આ અંગે જાણ કરાતાં ફાયરબ્રિગેડે પળભરનો પણ વિલંબ કર્યા વિના LED લાઇટની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રે 1 વાગ્યા સુધીમાં 9 પૈકી 1 બાળક સહિત 3ને રેસ્ક્યૂ કરાયા હતા, બાકીની 6 વ્યક્તિની શોધખોળ જારી રખાઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, દબાયેલી વ્યક્તિઓ શ્રમજીવીઓ હતી. તેઓ સૂતા હતા ત્યારે જ ઇમારત તૂટી પડતાં કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઇમારતનું હાલમાં કામ ચાલી રહ્યું હતું. મધરાતે બાવામાનપુરા વિસ્તાર એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડીઓના સાઇરનથી ગુંજી ઊઠ્યો હતો. ઇમારતના ભોંયતળિયે આવેલા સર્વિસ સ્ટેશનમાં પડેલી 2 કાર સહિતનાં વાહનોનો પણ ખુરદો બોલી ગયો હતો. રેસ્ક્યૂ કરાયેલા 3 પૈકી બે યુવકોનાં મોત થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
10 Comments