દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના અટકેલા પેકેજ-9 માટે 6 કંપનીઓએ લગાવી બોલી

સુરત: Built India Media: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા-વિરાર સેક્શનના અટકેલા પેકેજ-9નું કામ ફરી શરૂ કરવા NHAI દ્વારા નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લાના કરવડથી જુજુવા સુધીના 26.6 કિમીના માર્ગ માટે છ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓએ બોલી લગાવી છે.
આ કંપનીઓમાં અગ્રવાલ ઇન્ફ્રાબિલ્ડ, સિંગલ ઇન્ફ્રા, કલ્થિયા એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન, અશોકા બિલ્ડકોન, RRSM ઇન્ફ્રા અને રોડવે સોલ્યુશન્સ ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડનો સમાવેશ થાય છે. અગાઉ ધીમી કામગીરી અને અસંતોષકારક પ્રદર્શનને કારણે આ પેકેજનો રોડવે સોલ્યુશન્સ સાથેનો કરાર રદ કરવામાં આવ્યો હતો.

હાલ ટેક્નિકલ બિડ ખોલવામાં આવી છે. તેની ચકાસણી પૂર્ણ થયા બાદ ફાઇનાન્શિયલ બિડ ખોલવામાં આવશે અને પસંદગી પામેલી કંપનીને કોન્ટ્રાક્ટ અપાશે. નવા કોન્ટ્રાક્ટ મુજબ, કામ સોંપ્યાની તારીખથી 540 દિવસ એટલે કે આશરે 18 મહિનામાં 26.6 કિમીનો માર્ગ પૂર્ણ કરી સોંપવાનો રહેશે.
જોકે, અગાઉ કરાર રદ થયા છતાં રોડવે સોલ્યુશન્સ કંપનીએ ફરીથી ટેન્ડરમાં ભાગ લેતાં તેની પાત્રતા અને અગાઉના કામકાજ અંગે સવાલો ઊભા થયા છે. કંપનીના પેકેજ-6નો કરાર પણ કામગીરીમાં વિલંબને કારણે રદ થયો હોવાનો અહેવાલ છે, જ્યારે પેકેજ-8 અંગે નોટિસ આપવામાં આવી હતી. આ સ્થિતિમાં ગુજરાતમાં એક્સપ્રેસવેનું કામ પૂર્ણ થવામાં વધુ વિલંબ થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



