દિવાળી સુધીમાં એસ.જી. હાઈવે પર ઇસ્કોનથી સાણંદ સર્કલ સુધીનો એલિવેટેડ બ્રિજ ખુલવાની શક્યતા

અમદાવાદ: Built India Media: અમદાવાદના એસ.જી. હાઈવે પર ઇસ્કોન ચાર રસ્તાથી સાણંદ સર્કલ સુધીનો 4 કિલોમીટર લાંબો, છ માર્ગીય એલિવેટેડ બ્રિજ દિવાળી સુધીમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાની શક્યતા છે. ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ (NHAI)ના આ પ્રોજેક્ટથી દરરોજ આશરે 1.5 લાખ વાહનચાલકોને લાભ મળવાની અપેક્ષા છે.
બ્રિજ શરૂ થતાં સાણંદથી ગાંધીનગર તરફ જતા વાહનચાલકોને વાયએમસીએ ક્લબ, કર્ણાવતી ક્લબ અને પ્રહલાદનગર સર્કલ પાસેના ટ્રાફિકમાંથી રાહત મળશે. વાહનચાલકો આ જંક્શન પરથી રોકાયા વિના પસાર થઈ શકશે, જેના કારણે મુસાફરીનો સમય ઘટવાની શક્યતા છે.

આ પ્રોજેક્ટનો ટેન્ડર ખર્ચ ₹385 કરોડ હતો, જ્યારે કુલ ખર્ચ ₹530 કરોડથી વધુ થવાનો અંદાજ છે. બ્રિજની નીચે પે એન્ડ પાર્ક સુવિધા, સીસીટીવી કેમેરા અને આધુનિક સુરક્ષા દેખરેખ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી રહી છે.
બીજી તરફ, આશરે ₹45 કરોડના ખર્ચે બની રહેલો છારોડી ઓવરબ્રિજ આવતા ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. 60 મીટર પહોળા આ ઓવરબ્રિજમાં બંને તરફ ચાર-ચાર મળી કુલ આઠ માર્ગ હશે, જેનાથી દરરોજ હજારો વાહનચાલકોને લાભ મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



