કચ્છ અને બનાસકાંઠામાં હાઇવે વિસ્તરણ માટે ₹692 કરોડની ફાળવણી

ગાંધીનગર: Built India Media: રાજ્ય સરકારે કચ્છ અને બનાસકાંઠામાં માર્ગ માળખાને વધુ મજબૂત બનાવવા માટે કુલ ₹692 કરોડની મંજૂરી આપી છે. જેમાં કચ્છના ત્રણ મહત્વના માર્ગોને 7 મીટરથી 10 મીટર પહોળા કરવા માટે ₹363 કરોડ અને બનાસકાંઠાના શિહોરી-પાટણ માર્ગને ફોર-લેન બનાવવા માટે ₹229 કરોડનો સમાવેશ થાય છે.
કચ્છમાં પાંધ્રો-નારાયણ સરોવર, લખપત-નારાયણ સરોવર અને દયાપર-સુભાષપર-પાંધ્રો રોડનું વિસ્તરણ કરવામાં આવશે. જ્યારે બનાસકાંઠામાં શિહોરી-પાટણ રોડને 10 મીટરમાંથી ફોર-લેન કરવામાં આવશે.

આ વિસ્તરણથી ગ્રામ્ય વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી સુધરશે અને ભારે વાહનોની અવરજવર વધુ ઝડપી તથા સુરક્ષિત બનશે. સાથે જ ઔદ્યોગિક માલસામાન, વેપાર અને કૃષિ પેદાશોના પરિવહનને પણ વેગ મળશે.
કચ્છમાં નારાયણ સરોવર અને કોટેશ્વર સહિતના ધાર્મિક તથા પ્રવાસન સ્થળોએ પહોંચવામાં સરળતા વધશે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, આ કામગીરીથી કચ્છ અને બનાસકાંઠાના વિકાસ તથા પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



