મોઢેરા સૂર્યમંદિરની 1000મી વર્ષગાંઠ, PM મોદી ગુજરાત આવે તેવી શક્યતા
મોઢેરા : મહેસાણા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરના નિર્માણને 1,000 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સોલંકી વંશના રાજા ભીમદેવ-1ના શાસનકાળમાં ઈ.સ. 1026-27 દરમિયાન આ મંદિરનું નિર્માણ થયું હતું.
આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે મોઢેરાની મુલાકાત લે તેવી શક્યતા છે. જોકે, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી વડાપ્રધાનની મુલાકાત અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

મંદિર સાથે જોડાયેલું એક રહસ્ય આજે પણ યથાવત છે—ગર્ભગૃહમાં સૂર્યદેવની મુખ્ય પ્રતિમા નથી. માન્યતા મુજબ મધ્યકાલીન સમયમાં આક્રમણકારોથી બચાવવા માટે પ્રતિમાને અન્ય સ્થળે ખસેડવામાં આવી હતી. મંદિરની દિવાલો પર સૂર્યદેવની 12 પ્રતિમાઓ પણ જોવા મળે છે.
મોઢેરા સૂર્યમંદિર આજે સોલંકી યુગની સ્થાપત્યકળાનું અદભૂત ઉદાહરણ છે અને ગુજરાતના મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્મારકોમાં સ્થાન ધરાવે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દેશગુજરાત



