લોથલમાં 3D પ્રિન્ટેડ ટેક્નોલોજીથી બનશે GSRTCનું નવું બસ ટર્મિનલ

અમદાવાદ: Built India Media: સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાચીન બંદર શહેર લોથલમાં 3D કોન્ક્રીટ પ્રિન્ટિંગ ટેક્નોલોજીથી GSRTCનું નવું બસ ટર્મિનલ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) નજીક વિકસાવવામાં આવશે.
લગભગ 5,000 ચોરસ મીટરના પ્લોટમાં 750 ચોરસ મીટરનું બિલ્ટ-અપ ક્ષેત્ર ધરાવતા ટર્મિનલમાં પાંચ બસ બે, મુસાફરો માટે વેઇટિંગ એરિયા, ટિકિટ-ઇન્ક્વાયરી કાઉન્ટર, દુકાન/કેન્ટીન, સ્ટાફ રૂમ અને બેબી ફીડિંગ રૂમ સહિતની સુવિધાઓ હશે.

ટર્મિનલમાં જાહેર શૌચાલય, પીવાનું પાણી, પાર્કિંગ અને બસ સર્ક્યુલેશન એરિયા ઉપરાંત 50 kWનું રૂફટોપ સોલાર સિસ્ટમ, રેઇનવોટર હાર્વેસ્ટિંગ અને ફાયર સેફ્ટી સિસ્ટમ પણ બનાવવામાં આવશે.
GSRTCએ વર્ક ઓર્ડર મળ્યાની તારીખથી 9 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. લોથલના ઐતિહાસિક પુરાતત્વીય સ્થળ નજીક હોવાથી બાંધકામ દરમિયાન લાગુ પડતા પુરાતત્વીય નિયમોનું પાલન કરવું પડશે. ટેન્ડર પ્રક્રિયા 24 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 21 ઓક્ટોબર, 2026 સુધી બિડ સ્વીકારવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



