દબાણો દૂર કરવા જમીન માપણી નિઃશુલ્ક કરાશે: ગુજરાત સરકારનો આદેશ

ગાંધીનગર: Built India Media: ગુજરાત સરકારે રાજ્યભરમાં જાહેર રસ્તાઓ, સરકારી પડતર જમીન અને ગૌચર જમીન પરનાં દબાણો દૂર કરવાની કામગીરી ઝડપી બનાવવા મહત્ત્વનો નિર્ણય લીધો છે. મહેસૂલ વિભાગે સંબંધિત અધિકારીઓને આવી જમીનોની માપણી અગ્રતાના ધોરણે અને સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવા સૂચના આપી છે.
26 ઑક્ટોબર, 2026ના રોજ મંજૂર કરાયેલા પરિપત્ર મુજબ, દબાણો ઓળખવા અને દૂર કરવાની પ્રક્રિયામાં વિલંબ ન થાય તે માટે જાહેર રસ્તાઓ, સરકારી પડતર જમીન અને ગૌચર જમીનની માપણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની રહેશે.મહેસૂલ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે દબાણો દૂર કરવાના હેતુસર કરવામાં આવતી જમીન માપણી માટે કોઈપણ પ્રકારની ફી વસૂલવામાં આવશે નહીં. સમગ્ર માપણી પ્રક્રિયા નિઃશુલ્ક કરવાની રહેશે.

આ નિર્ણયનો હેતુ જાહેર માળખાકીય સુવિધાઓ સાથે જોડાયેલા રસ્તાઓ અને સરકારી માલિકીની જમીનો પરનાં ગેરકાયદે દબાણો ઝડપથી ઓળખી દૂર કરવાનો છે. ખાસ કરીને પશુઓના ચરાણ માટે અનામત ગૌચર જમીનને દબાણમુક્ત કરવાની કામગીરીને પણ આથી વેગ મળવાની અપેક્ષા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



