GovernmentLogistic & IndustrialNEWS

ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી નીતિમાં કરાયો સુધારો, GIDCને ઉદ્યોગ-ખાણ વિભાગે વર્ગીકરણ કરેલી ૩ કેટેગરીમાં જમીન ફાળવવામાં આવશે: પ્રવક્તા- ઋષિકેશ પટેલ

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. જેમાં મહત્વપૂર્ણ નિર્ણય અંગે રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સહિતના તમામ ઉદ્યોગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને ઔદ્યોગિક વસાહત માટે જમીન ફાળવણી કરવાની નીતિમાં જરૂરી સુધારો કરીને, GIDCમાં ઉદ્યોગોને જમીન ફાળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. અને તેની કેટેગરી નીચે મુજબ છે.  

કેટેગરી-૧: ૧૧૯ તાલુકાની લઘુ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના દરે જમીન ફાળવાશે.

કેટેગરી-૨: ૭૬ તાલુકાની મધ્યમ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના ૧૨૫ ટકા દરે જમીન ફાળવાશે.

કેટેગરી-૩: ૫૬ તાલુકાની વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના ૧૫૦ ટકા દરે જમીન ફાળવાશે

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની ઔદ્યોગિક વસાહતો માટે સરકારી પડતર જમીન GIDCને તબદીલ કરવામાં આવે છે અને GIDC દ્વારા આ જમીન ઉદ્યોગોને ફાળવવામાં આવે છે. હાલની પદ્ધતિ અનુસાર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની કમિટી દ્વારા સરકારી જમીનના ભાવ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ નક્કી થયેલા ભાવે પડતર જમીન GIDCને ફાળવવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ ઘણા કિસ્સામાં જમીનના દર હયાત દર કરતા વધુ થતા હોવાનું ધ્યાને આવ્યું હતું.

આવી તમામ સમસ્યાઓના નિકાલ માટે ગુજરાત સરકારે જમીન ફાળવવાની આ પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે. હવે ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ અંતર્ગત ઉદ્યોગ અને ખાણ વિભાગે કરેલા વર્ગીકરણ પ્રમાણે કુલ ૩ કેટેગરીમાં GIDCને સરકારી પડતર જમીન ફાળવવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયના પરિણામે ઔદ્યોગિક વસાહત માટે સરકારી પડતર જમીન ફાળવવા માટેની પ્રક્રિયા વધુ સરળ બનશે, સમયનો વ્યય અટકશે તેમજ તમામ GIDC વચ્ચે જમીન ફાળવણી અને તેના વિકાસની સમાનતામાં પણ વધારો થશે. ખાસ કરીને MSME ઉદ્યોગકારોને અને રોકાણકારોને પણ આ નિર્ણયથી વધુ સુગમતા થશે. ઉદ્યોગકારોની રોકાણ કરવા માટેની કેટલીક દુવિધાઓ અને અનિશ્ચિતાઓ પણ દૂર થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- માહિતી ખાતું, ગુજરાત સરકાર, ગાંધીનગર

Show More

Related Articles

Back to top button
Close