ગુજરાતને ચાર નવી મેડિકલ કોલેજોની ભેટ, ચાર જિલ્લામાં સરકારી હોસ્પિટલનું અપગ્રેડેશન થશે

ગાંધીનગર: Built India Media: ગુજરાત સરકારે ખેડા, મહીસાગર, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાં ચાર નવી મેડિકલ કોલેજો સ્થાપવાની મંજૂરી આપી છે. હાલની સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરીને જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ હેઠળ આ કોલેજો વિકસાવવામાં આવશે. આ યોજનાનો હેતુ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ તથા તબીબી શિક્ષણની સુવિધા વધારવાનો છે.
ખેડામાં શ્રી ગયાપ્રસાદ જૈન ચેરિટેબલ ટ્રસ્ટ, મહીસાગરમાં સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ, ગીર સોમનાથમાં શ્રી ચાણક્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને બોટાદમાં ડેલ્ટા મિલેનિયમ મેડિકેર પ્રાઇવેટ લિમિટેડ આ પ્રોજેક્ટ વિકસાવશે.

આ સંસ્થાઓએ હાલની મફત આરોગ્ય સેવાઓ ચાલુ રાખવાની રહેશે. સગર્ભા મહિલાઓને પ્રસૂતિ બાદની સારવાર સહિત મફત સારવાર અને 20 દિવસથી એક વર્ષ સુધીનાં બાળકોને મફત સારવાર આપવી ફરજિયાત રહેશે. ઉપરાંત, ઓછામાં ઓછા 10 બેડની ડાયાલિસિસ સુવિધા શરૂ કરવી અને અકસ્માત તથા ટ્રોમાના દર્દીઓને તાત્કાલિક મફત સારવાર આપવી પડશે.
આ પ્રોજેક્ટથી ચારેય જિલ્લાઓમાં નિષ્ણાત તબીબોની ઉપલબ્ધતા વધવાની, આધુનિક સારવાર વધુ સરળતાથી મળવાની અને સ્થાનિક સ્તરે મેડિકલ શિક્ષણની તકો વધવાની અપેક્ષા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



