સાવધાન! BU પરમિશન બાદ ન વેચાયેલા ફ્લેટ્સના મેન્ટેનન્સ માટે ડેવલપર જવાબદાર: Guj. Rera નો ચુકાદો

Gujarat RERA એ નવી રચાયેલી હાઉસિંગ સોસાયટીઓ માટે મહત્વપૂર્ણ અસર ધરાવતા એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન મળ્યાની તારીખથી લઈને ફ્લેટ વેચાય ત્યાં સુધી ન વેચાયેલા ફ્લેટ્સના મેન્ટેનન્સ ચાર્જીસ ડેવલપરે ચૂકવવાના રહેશે.

ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાપુર સ્થિત એક હાઉસિંગ સોસાયટી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અંગે આપેલા આદેશમાં ગુજરાત રેરાએ જણાવ્યું હતું કે ન વેચાયેલા યુનિટ્સનું “રનિંગ મેન્ટેનન્સ” ભરવાની જવાબદારી પ્રોમોટરની જ રહેશે. સોસાયટીનો આક્ષેપ હતો કે ડેવલપર દ્વારા મેન્ટેનન્સ ચાર્જીસ ન ભરવાના કારણે રહેવાસીઓ પર વધારાનો આર્થિક ભાર પડી રહ્યો હતો. જેમાં વર્ષ 2019માં BU પરમિશન મળ્યું હોવાનું નોંધતાં ગુજરાત રેરાએ કહ્યું કે ન વેચાયેલા ફ્લેટ્સ પર ડેવલપરનું માલિકી હક યથાવત રહે છે અને તેથી તે અન્ય એલોટી જેવી જ રીતે કોમન ખર્ચ અને મેન્ટેનન્સ માટે ફાળો આપવા બાધ્ય છે.
રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ)એક્ટ, 2016ની જોગવાઈઓનો હવાલો આપતાં ગુજરાત રેરાએ સ્પષ્ટ કર્યું કે BU પરમિશન બાદ ઇન્વેન્ટરી ન વેચાય ત્યાં સુધી ડેવલપરો મેન્ટેનન્સની જવાબદારીથી બચી શકતા નથી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



