સરકાર દ્વારા મિલકતના દસ્તાવેજ માટે હવે બિલ્ડિંગ યુઝ પરમિશન ફરજિયાત બનાવાતાં નોંધણીમાં પરેશાની
Difficulty in registration as the government now makes building use permission mandatory for property documents
રાજ્યના નોંધણી નિરીક્ષકે મિલકતોના દસ્તાવેજોની નોંધણી માટે બાંધકામ પરવાનગીથી માંડીને બિલ્ડિંગ યૂઝ પરમિશન ઉપરાંત બિનખેતીના હુકમની નકલ પણ ફરજિયાત બનાવી છે. અત્યાર સુધી આવા આધાર- પૂરાવા મરજિયાત જેવા હતા, પણ નવા પરિપત્રનો અમલ આજથી જ શરૂ કરાવી દેવામાં આવતાં દસ્તાવેજ નોંધણી ઠપ્પ થઈ જવાની ભીતિ સાથે વિરોધ ઉઠયો છે.
આજે રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આ મામલે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. વકીલોનું કહેવું છે કે જે પૂરાવાઓ જોડવાનું ફરજિયાત બનાવાયું છે તે રજૂ કરવા કોઈપણ સંજોગોમાં વ્યાજબી નથી અને જાહેરનામું સરકારની માર્ગદર્શક સૂચનાની વિરૂધ્ધ છે, પરિપત્ર હાઈકોર્ટના જજમેન્ટની વિરૂધ્ધ છે. બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ, બિનખેતીનો હુકમ અને પ્લાન રજૂ કરવાનું બિનવ્યવહારૂ છે. નવું ફોર્મ નંબર-૧ વાસ્તવિક સ્થિતિ સાથે સુસંગત નહીં હોવાનું કારણ આગળ ધરીને એ ફોર્મ રદ્દ કરાવવાની માગણી ઉઠાવવામાં આવી હતી.
બીજી તરફ, તંત્રવાહકોનું કહેવું છે કે અગાઉ જે ઈનપૂટ શિટ હતું તે નાબૂદ કરીને સરળીકરણ માટે તથા ડુપ્લિકેશન ટાળવા માટે તમામ વિગતો ફોર્મ નંબર-૧માં આવરી લેવામાં આવી છે, તેમાંની મોટાભાગની વિગતો અગાઉ પણ આપવાની રહેતી જ હતી પરંતુ તેનો અમલ બહુ કડકાઈથી થતો નહોતો. પરિણામે, સરકારને સ્ટેમ્પ ડયુટીની આવકમાં મોટો ફટકો પડતો આવ્યો છે.
જો કે, બિલ્ડિંગ યુઝ પરમિશનને મિલકતની માલિકીના આધાર- પૂરાવા સાથે કોઈ નિસબત નહીં હોવાનું કહીને અધિકારીઓ કબૂલે છે કે બાંધકામ પરવાનગી અને બિલ્ડિંગ યુઝ પરમિશન ફરજિયાત બન્યા હોવાથી અનેક લોકો માટે પોતાની મિલકતનું વેચાણ કરવામાં બાધા ઊભી થશે એવી વકીલોની ફરિયાદમાં વજૂદ તો છે જ! રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનના પ્રમુખ ડી.જે. મીઠાણીએ તો ત્યાં સુધી કહ્યું કે રાજકોટ જેવા શહેરમાં જ જૂનવાણી પૈકી ૬૦ ટકા મિલકતો પ્લાન પાસ કરાવ્યા વિનાની છે તે જોતાં તો દસ્તાવેજ નોંધણી જ ઠપ્પ થઈ જાય! જૂના ગામતળમાં આવેલાં મકાનો- ઈમારતોનાં બાંધકામના બી.યુ.સર્ટિફિકેટ કે પ્લાન પણ નથી પરંતુ એ કારણથી તેવા લોકો પોતાના દસ્તાવેજની નોંધણી જ ન કરાવી શકે એ બાબત તો કુજરતી ન્યાયના સિધ્ધાતની વિરૂધ્ધ છે, માલિકી હક્ક ધરાવનારને મિલકત વેચાણનો બંધારણીય હક્ક છે જ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.
8 Comments