રિવરફ્રન્ટ સપનાનું વાવેતર; રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ કરવા 10 વર્ષમાં ચોથી વખત જાહેરાત
The planting of riverfront dreams; Fourth announcement in 10 years to start a floating restaurant on the riverfront
રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરાં અને ક્રૂઝ લાવવાની રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને જાહેરાત કરી છે. જો કે, છેલ્લાં 10 વર્ષમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની જાહેરાત ચોથી વખત કરવામાં આવી છે. સૌથી પહેલાં 2012માં, એ પછી 2019માં અને 2021માં પણ આ પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. અગાઉ મ્યુનિ.એ લંડન આઈ, મૂવિંગ ટાવર, એમ્ફિબિયસ બસ જેવા પ્રોજેક્ટ જાહેર કર્યા હતા પરંતુ આજે કાગળ પર પણ તેની વાત નથી. અગાઉ સી-પ્લેન અને ઝીપ લાઈન જેવા પ્રોજેક્ટ માંડ શરૂ થયા ત્યાં જ બંધ કરવા પડ્યા હતા. રાજકીય વિશ્લેષકોના કહેવા મુજબ વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી આ પ્રકારની આકર્ષક જાહેરાતો થતી હોય છે.
રિવરફન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરાં માટે 5 પક્ષકારે ટેન્ડર ભર્યા હતા. અમદાવાદની કંપની અક્ષર ટ્રાવેલ્સે વાર્ષિક લાઈસન્સ ફી વધારે ચૂકવવાની તૈયારી દર્શાવતાં તેને આ કામગીરી સોંપવા નિર્ણય કરાયો છે. અક્ષર ટ્રાવેલ્સને બે ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ તૈયાર કરવાનો વર્ક ઓર્ડર આપી દેવાયો છે અને ક્રૂઝ તૈયાર થઈને આવતાં 8 મહિના લાગશે. આ ફ્લોટિંગ રેસ્ટોરાંની ક્ષમતા 100ની હશે.
જોકે સત્તાવાર રીતે આ પ્રકારે ક્રૂઝ ચલાવવા માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અગાઉ બેથી વધુ વખત જાહેરાત કરી ચૂક્યું છે. એ પછી આ જાહેરાતોને અભેરાઈએ ચઢાવી દેવામાં આવી હતી. ભૂતકાળમાં ઈન્ટરનેશનલ કન્વેક્શન સેન્ટર ચાલુ કરવાની પણ જાહેરાત થઈ હતી. પરંતુ હજુ સુધી વધુ કંઈ કહેવાયું નથી.
આ 6 પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ, હવે ફ્લોટિંગ રેસ્ટોરાં 8 માસમાં શરૂ થશે
ઝિપ લાઇન
રિવરફ્રન્ટ પર એનઆઈડી પાછળ ઝિપ લાઈન શરૂ કરાઈ હતી. જોકે એક વખત એક વ્યક્તિ નદીમાં વચ્ચે જ ફસાતા ઝિપલાઇન બંધ કરાઇ, જે આજ સુધી ચાલુ થઈ નથી.
સી-પ્લેન
2020ના ઓક્ટોબરમાં સાબરમતીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી-પ્લેન શરૂ કરાયું હતું. વધુ ભાડું અને પેસેન્જર ન મળતાં એપ્રિલમાં 21માં સેવા બંધ કરાઈ.
જોય રાઈડ
શહેરનો નજારો ઉપરથી જોવા શરૂ કરાયેલી જોય રાઈડ હેલિકોપ્ટર સેવા માત્ર શનિ-રવિ ચલાવવામાં આવે છે. જોકે તેને પણ યોગ્ય પ્રતિભાવ મળી રહ્યો નથી.
લંડન આઈ
રિવરફ્રન્ટ તૈયાર થયા બાદ આકર્ષણ માટે સૌ પ્રથમ લંડન આઈ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી. જો કે, ફિઝિબિલિટી રિપોર્ટ યોગ્ય ન હોવાથી પડતો મૂકાયો.
મૂવિંગ ટાવર
લંડન આઈ બાદ મ્યુનિ.એ મૂવિંગ ટાવર પણ ઊભો કરવાની જાહેરાત કરી હતી. જેના પરથી આખું અમદાવાદ જોવા મળી શકે પરંતુ આ પણ શરૂ ન થયો.
એમ્ફિબિયસ બસ
પાણી પર અને રોડ પર દોડે તેવી એમ્ફિબિયસ બસ શરૂ કરવા જાહેરાત કરાઈ હતી. પરંતુ આ યોજના પણ અભેરાઈએ ચઢાવી દેવામાં આવી છે.
અગાઉ એક કંપનીએ નદીમાં બારેમાસ પાણીની શરત મૂકી હતી
રિવરફ્રન્ટનું પાણી વહેતું પાણી નહીં હોવાથી તેમાં ઓક્સિજનની માત્રા પણ ખૂબ જ ઓછી છે. અગાઉ આ પ્રોજેક્ટ માટે તૈયારી દર્શાવનારી એક કંપનીએ મ્યુનિ.ને એવું કહ્યું હતું કે, બારેમાસ પાણી રહેતું હોય તો અમે પ્રોજેક્ટનો અમલ કરવા તૈયાર છીએ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
12 Comments