અમદાવાદમાં છેલ્લા બે વર્ષથી રુ. 5 કરોડથી લઈને રુ. 12 કરોડની કિંમતના ફ્લેટની માગમાં બે ગણો વધારો થયો છે. મોટાભાગે આવા ફ્લેટ્સ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ અને સુપર રીચ ક્લાસ ખરીદી રહ્યા છે. આવા ફ્લેટ્સમાં ગ્રાહકોને કોઈ ફાઈવ સ્ટાર ક્લબ જેવી સુવિધા મળે છે.
છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને કોરોના બાદ 2 વર્ષથી અમદાવાદીઓ ફાઈવ સ્ટાર રિસોર્ટ જેવી સુવિધા આપતા એપાર્ટમેન્ટ પર ખર્ચો વધુ કરી રહ્યા છે. મહામારીએ શહેરમાં અલ્ટ્રા લક્ઝુરિયસ અને વિશાળ એપાર્ટમેન્ટની માગણીમાં બે ગણો વધારો કર્યો છે. તેમ ડેવલોપર્સ જણાવ્યું હતું. આ સેગમેન્ટમાં જુલાઈ 2020થી અત્યાર સુધીમાં રુ.3500 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે. રુ. 5 કરોડથી રુ. 12 કરોડની રેન્જના 4 અને 5 બીએચકેના આ ફ્લેટ્સ શહેરના શિલજ-હેબતપુરથી કર્ણાવતી ક્લબ સુધીના વિસ્તારમાં આવેલા છે. જેમાં ઈસ્કોન-આમ્બલી રોડ અને સિંધુભવન રોડનો પણ કેટલોક ભાગ સમાવેશ થાય છે. આવા અલ્ટ્રા લુક્ઝુરિયસ ફ્લેટનો કુલ વિસ્તાર કુલ 6000થી 10000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો હોય છે.
આ મોંઘેરા ફ્લેટમાં સેન્ટ્રલાઇઝ્ડ એર કંડિશન, સેન્ટ્રલાઈઝ્ડ આરઓ સિસ્ટમ, ઇટાલિયન માર્બલ ફ્લોરિંગ, સાઉન્ડ પ્રુફ વિન્ડોઝ, પૂર્ણ સુવિધાઓથી સજ્જ કિચન, તેમજ પ્રીમિયમ ક્લબ દ્વારા ઓફર કરવામાં આવતી હોય તેવી એમેનિટિઝ ઓફર કરવામાં આવે છે. ડેવલોપર્સ જોઈ રહ્યા છે કે આ સેગમેન્ટ્સમાં માગનો સતત વધારો થઈ રહ્યો છે કારણ કે મોટી સંખ્યામાં લોકો બંગલા છોડીને આવા એપાર્ટમેન્ટ તરફ વળી રહ્યા છે. આવા એપાર્ટમેન્ટ અંગે ડેવલોપર પારસ પંડિતે કહ્યું કે ‘આવા એપાર્ટમેન્ટ્સ લેનાર ક્લાસ ખૂબ જ અલગ હોય છે. સામાન્ય રીતે અલ્ટ્રા લક્ઝુરિયસ બંગલો ખરીદવો ખૂબ જ મોંઘો પડે છે તેવામાં કંપનીના સીઈઓ અને ઇન્ડસ્ટ્રાલિસ્ટ માટે આ એપાર્ટમેન્ટ્સ પહેલી પસંદ છે.’
અમદાવાદ ક્રેડાઈના અધિકારીએ કહ્યું કે મહામારીએ અલ્ટ્રા લક્ઝુરિયસ સેગમેન્ટના ખરીદદારોની જરુરિયાતોને બિલકુલ બદલી નાખી છે. જેના કારણે શહેરમાં આ સેગમેન્ટમાં માગણી પણ ખૂબ વધી રહી છે. અમદાવાદ ક્રેડાઈના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ કહ્યું કે ‘જુલાઈ 2020થી શહેરમાં 550થી પણ વધુ અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ્સ વેચાયા છે. જેની એવરેજ કિંમત રુ. 7 કરોડ જેટલી છે.’ તેમણે વધુમાં કહ્યું કે આમ તો આ સેગમેન્ટમાં છેલ્લા પાંચ વર્ષથી પ્રગતિ જોવા મળી છે જોકે મહામારી પહેલા વર્ષમાં આવા વધુમાં વધુ 150 જેટલા ફ્લેટ લોન્ચ થતા હતા. પરંતુ છેલ્લા 2 વર્ષમાં આવા 800 એપાર્ટમેન્ટ્સ લોન્ચ થયા છે જેની કિંમત રુ. 5 કરોડથી રુ.12 કરોડની રેન્જમાં છે. જે પૈકી 70 ટકા જેટલા ફ્લેટ્સ એટલે કે રુ. 3500 કરોડના ફ્લેટ બુક પણ થઈ ગયા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments