સરકાર 2022 સુધીમાં 55000 ઘર બનાવશે, આવાસ નિર્માણ માટે રૂ. 900 કરોડની ફાળવણી
- સ્માર્ટ સિટી માટે મહાનગરપાલિકા અને નગરપાલિકાને રૂ. 700 કરોડ અપાશે
- બજેટમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ માટે રૂ. 13,493 કરોડની ફાળવણી
ગુજરાત રાજ્યના 77માં બજેટમાં નાણામંત્રી નીતિન પટેલે રાજ્યમાં 2022 સુધીમાં 55000 ઘર બનાવવાની જાહેરાત કરી હતી અને આ પ્રોજેક્ટ માટે સરકારે રૂ. 900 કરોડની ફાળવણી પણ કરી છે. આ ઉપરાંત બજેટમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે રૂ. 13,493 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ વિભાગ અંતર્ગત સરકારનું ફોકસ શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ મજબૂત બનાવવાનો છે.
મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ. 4563 કરોડની જોગવાઈ
બજેટમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળો માટે રૂ. 4563 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ અમૃત યોજના અંતર્ગત 8 મહાનગરપાલિકા, 23 નગરપાલિકાઓમાં પાણી પુરવઠા, ગટર અને વરસાદી પાણીનો નિકાલ અને પરિવહન જેવી સુવિધાઓ માટે રૂ. 650 કરોડ ફાળવવામાં આવ્યા છે.
ગુજરાત સરકાર ગિફ્ટ સિટીમાં રૂ. 100 કરોડ રોકાણ કરશે
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં આર્થિક પ્રવૃત્તિઓ વધી છે અને તેમ દેશ અને વિદેશથી રોકાણ આવી રહ્યું છે. નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારની સંપૂર્ણ માલિકીના ગિફ્ટ સિટીમાં આગામી દિવસોમાં રૂ. 100 કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. હાલમાં ગિફ્ટ સિટીમાં બેન્કિંગ, ઈન્સ્યોરન્સ, ફાઇનાન્સ સહિતના સેક્ટર્સની 200થી વધુ કંપનીઓ કાર્યરત છે.
સ્માર્ટ સિટી માટે રૂ. 700 કારોડની ફાળવણી
રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ દાહોદ નગરપાલિકાને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ રૂ. 700 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ, સુરત અને ગાંધીનગરને મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ હેઠળ રૂ. 568 કરોડ આપવામાં આવ્યા છે.
અન્ય જોગવાઈ
- સ્વચ્છ ભારત મિશન (અર્બન) અને નિર્મળ ગુજરાત હેઠળ રૂ. 200 કરોડ
- દીનદયાળ અંત્યોદય યોજના, નેશનલ અર્બન લાઈવલીહૂડ મિશન હેઠળ રૂ. 150 કરોડ
- મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે રૂ. 80 કરોડ
- નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. 50 કરોડ
- વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મેટ્રો લાઇટ-મેટ્રો નીઓ માટે રૂ. 50 કરોડ
- નવા ફાયર સેફટી સાધનો ખરીદવા રૂ. 39 કરોડ
- ફાયર સેફટી કોપ પોર્ટલ માટે રૂ. 20 કરોડ
- શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રૂ. 5 કરોડ
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
7 Comments