GovernmentNEWS

જૂનાગઢ રોપવે:એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેનું PMના હસ્તે ઇ-લોકાર્પણ કરાયું, હવેથી 2.3 કિલોમીટરનું અંતર માત્ર 8 મિનિટમાં કપાશે

Modi Inaugurated Girnar Ropway

  • ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવાયો છે
  • PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોની કિસાન સૂર્યોદય યોજનાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું
  • એશિયાનો સૌથી મોટા રોપવે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ PM નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. ગિરનાર રોપવેના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓ જૂનાગઢમાં ઉપસ્થિત છે. PM નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ સાથે સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરવામાં આવી છે. રોપવે દ્વારા 2.3 કિલોમીટરનુ અંતર માત્ર 8 મિનિટમાં કાપવામાં આવશે. ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે ગિરનાર રોપવેને લઇને સૌથી વધુ ઉત્સુકતા જૂનાગઢવાસીઓમાં છે.

કિસાન સૂર્યોદય યોજનાથી ગુજરાત નવી પહેલ સાથે આગળ વધશે- મોદી
PM નરેન્દ્ર મોદીએ ઓનલાઈન સંબોધન કરતાં જણાવ્યું હતું કે મને આનંદ છે કે કિસાન સૂર્યોદય યોજનાથી ગુજરાત નવી પહેલ સાથે આગળ વધશે. ભારત આજે સોલર પાવર ઉત્પાદન અને એનો ઉપયોગ કરતા હોય એવા ગણતરીના દેશોમાં આવે છે. કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી રહેશે.

ગિરનાર રોપવે કાલથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે

ગિરનાર રોપવે કાલથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે

સૌને કલાકોના બદલે મિનિટોમાં જ દર્શનનુ સદભાગ્ય પ્રાપ્ત થશે- મોદી
વધુમાં PM મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના આસ્થાના કેન્દ્રો ‘ટૂરિસ્ટ ડેસ્ટીનેશન’ બને, ત્યાં આધુનિક સુવિધા ઉપલબ્ધ થાય તે ખુબજ જરૂરી છે. જૂનાગઢના ગરવા ગિરનારમાં ગુરૂદતાત્રેય, અંબામા અને જૈન મંદિરો આવેલા છે. જ્યાં આજે વિશ્વ સ્તરીય રોપવેનો પ્રારંભ થતા અબાલ-વૃદ્ધ સૌને કલાકોના બદલે મિનિટોમાં જ દર્શનનુ સદભાગ્ય પ્રાપ્ત થશે. ગિરનાર પર્વત શિખર ઉપર અદ્દભૂત શક્તિ અને શાંતિનો અનુભવ થાય છે. રોપ-વેના કારણે એડવેન્ચર વધશે. સાથો સાથ શ્રદ્ધાળુઓ અને પર્યટકોની સંખ્યામાં પણ વધારો થશે. લોકોએ ઘણા વર્ષોની રાહ જોયા બાદ રોપ-વેની સુવિધા પ્રાપ્ત થઇ છે. ટૂરિસ્ટોની વધતી સંખ્યા સ્થાનિક આવક તો વધારે જ છે. સાથો સાથ અનેક લોકોને રોજગારી પણ આપે છે.

CM રૂપાણી અને તેમનાં પત્ની અંજલિ રૂપાણી રોપવેમાં બેઠાં.

CM રૂપાણી અને તેમનાં પત્ની અંજલિ રૂપાણી રોપવેમાં બેઠાં.

22 વર્ષ બાદ રોપવેમાં બેસીને અંબાજી માતાના દર્શન કરવાનો લાભ મળ્યો- રૂપાણી
વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે ગુજરાત માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. વર્લ્ડ ક્લાસ રોપવે છે. જેમાં બેસીને ખુબજ આહ્લાદક અનુભવ થયો છે. 22 વર્ષ પહેલા પગથિયા ચડી અંબાજીના દર્શન કર્યા હતા. આજે 22 વર્ષ બાદ રોપવેમાં બેસીને અંબાજી માતાના દર્શન કરવાનો લાભ મળ્યો છે. 10 મિનિટમાં ગિરનારની ટોચ પર પહોંચી માતાજીના દર્શન કરી શકાય છે. આજના પવિત્ર દિવસે માતાજીના દર્શન કરવાનો લાભ મળ્યો ખૂબ ધન્યતા અનુભવું છું. સૂર્યોદય યોજના મુદ્દે જણાવ્યું કે ખેડૂતોનો મહત્વનો પ્રશ્ન રાત્રે લાઈટ મળે તે હતો. જેથી ખેડૂતોની આ મુશ્કેલીનું નિરાકરણ કરવામાં આવ્યું છે. સાથે જ જણાવ્યું હતું કે ડુંગળીના ભાવ ન વધે તે માટે સરકાર ચિંતિત છે. કોંગ્રેસ ચૂંટણીમાં હાર ભારી ગઈ છે. કોલર ટ્યુનમાં ક્યાંય પ્રચાર નથી ક્યાંય મારૂ નામ નથી. લોકો સજાગ રહે તે માટે કોલર ટ્યુન છે. કોંગ્રેસ પ્રજા પાસે જઈ શકે તેમ નથી માટે ખોટા વિવાદો કરે છે.

ગિરનારનાં દર્શન વધુમાં વધુ લોકો કરે એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે- રૂપાણી
CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ખેડૂત, ખેતી અને ગામડું સમૃદ્ધ કરવા માટે સરકાર કામ કરી રહી છે. કિસાન સૂર્યોદય યોજના મારફત 1055 ગામડાંના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. PM નરેન્દ્ર મોદીની જ્યોતિગ્રામ યોજનાને કારણે ગુજરાત 24 કલાક વીજળીથી ઝળહળી રહ્યું છે. આ સરકાર ખેડૂતોની સરકાર છે. તેમણે રોપવે મુદ્દે જણાવ્યું હતું કે રોપવે મારફત વધુ ને વધુ લોકો ગિરનારનાં દર્શન કરે એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ડોળીવાળા ભાઈઓને પણ યાદ કરું છું. લાખો લોકોને દર્શન કરાવવા એ પુણ્યનું કામ છે, સાથે જ જણાવ્યું હતું કે કોરોનાના કાળ વચ્ચે પણ વિકાસ આગળ વધતો રહે એ માટે તેઓ કામ કરી રહ્યા છીએ. આપણાં સપનાં પૂર્ણ થઈ રહ્યાં છે, એટલે અમે તમારો આભાર માનીએ છીએ. ગુજરાત હંમેશાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે જે માર્ગ બતાવ્યો એ માર્ગ પર જ આગળ વધી રહ્યું છે.

કિસાન સૂર્યોદય યોજનાનું મોદીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું
કિસાન સૂર્યોદય યોજનાનું આજે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જૂનાગઢ, દાહોદ, ગીર-સોમનાથ અને પાટણ જિલ્લાનાં 1000થી વધુ ગામડાંને આવરી લેવામાં આવ્યાં છે. ગુજરાત રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારના 5થી રાત્રિના 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. માળખાકીય સુવિધા ઊભી કરવા માટે આગામી 3 વર્ષ માટે રૂપિયા 3500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

હેલિકોપ્ટર મારફત ગિરનાર પર રોપવે બનાવવાનો દેશનો પ્રથમ પ્રોજેક્ટ
હેલિકોપ્ટર મારફત ગિરનાર પર રોપવે બનાવવાનો દેશનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. ગિરનાર પર શરૂ કરવામાં આવેલો રોપવેનો કોચ પ્રતિ સેકન્ડે 6 મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે.

રોપવેમાં વપરાયેલી રોપ જર્મનીથી મગાવાઈ છે
ગિરનાર રોપવેમાં વાપરવામાં આવેલી રોપ જર્મનીથી મગાવી છે. આ રોપવેમાં 800 લોકો પ્રતિ કલાકમાં મુસાફરી કરી શકશે. 2.3 કિલોમીટરના રૂટમાં 9 ટાવર લગાવવામાં આવ્યા છે. 1 ટાવરની લંબાઈ 66 ફૂટ રાખવામાં આવી છે. હાલ તો રોપવે પર 24 ટ્રોલી કાર્યરત કરવામાં આવી છે, જ્યારે જરૂરિયાત મુજબ અન્ય ટ્રોલીની સંખ્યામાં વધારો કરવામાં આવશે. એક ટ્રોલીમાં 8 લોકો બેસશે. એક ફેરામાં 192 દર્શનાર્થી જઇ શકશે. દરેક ટ્રોલીની સ્પીડ પ્રતિ સેકન્ડ 5 મી. રહેશે. બે ટ્રોલી વચ્ચેનું અંતર 216 મી. (36 સેકન્ડ) હશે. 1 કલાકમાં 800 દર્શનાર્થી તળેટીથી મંદિર સુધી જઇ શકશે.

આજે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ.

આજે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ.

ગિરનાર પર પવનની ગતિને ધ્યાનમાં રાખીને રોપવેની ડિઝાઈન બનાવાઈ
ગિરનાર પર્વતની ઊંચાઇ 3,500 ફૂટ છે. સર્વોચ્ચ શિખર 3,666 ફૂટ ઊંચું છે. અહીં પવનની ગતિ 180 કિ.મી. પ્રતિ કલાક રહે છે. એનો સામનો કરવા રોપવેની ડિઝાઇન એરોડાયનેમિક બનાવાઇ છે. રોપવે માટે 9 ટાવર લગાવાયા છે. એમાંથી 6 નંબરનો ટાવર સૌથી ઊંચો (અંદાજે 67 મી.) છે, જે ગિરનારના છેલ્લા પગથિયાની નજીક છે. દરેક ટાવર વચ્ચે એમની ઊંચાઇ 7-8 માળ જેટલી રખાઈ છે.

રોપવે શરૂ થયા પછી ગિરનાર પર વધુ મજૂરોની જરૂર પડશે
ગિરનાર રોપવે શરૂ થતાં હવે યાત્રિકોનો પ્રવાહ વધશે. લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા રસ્તામાં પગથોભ માટે ખાણીપીણીની દુકાનોએ ઊભું રહેવું પડશે, આથી ત્યાં માલ-સામાનની ખપત વધશે અને એ પહોંચાડવા પાછા વધુ મજૂરો જોઇશે. હાલમાં રોપવેમાં માત્ર યાત્રાળુઓ માટે જ મંજૂરી મળી છે. માલ-સામાન માટે મંજૂરી નથી મળી. ગિરનાર પર સામાન પહોંચાડતા મજૂરોની માગ વધવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને અંબાજીથી જૈન દેરાસર અને અંબાજીથી ગુરુ દત્તાત્રેય વચ્ચેનો ટ્રાફિક ખૂબ જ વધી જશે એવી શક્યતા છે.

ભાડુંઃ મોટા માટેની ટૂ-વે ટિકિટ 700, બાળકો માટે 350 રૂપિયા
રોપવે માટે ટિકિટના દર નક્કી થઇ ગયા છે. 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટૂ-વે ટિકિટનો દર રૂ. 700, જ્યારે વન-વે ટિકિટના રૂ. 400 રહેશે. બાળકો માટે ટિકિટનો દર રૂ. 350 રખાયો છે. રોપવે લાગી જવાથી એના દ્વારા વાર્ષિક રૂ.400 કરોડની આવકનું લક્ષ્ય રખાયું છે

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય – દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close