કેન્દ્ર સરકારે, દેશમાં 50,000 કરોડના કુલ 8 નેશનલ હાઈસ્પીડ રોડ કોરિડોર મંજૂર કર્યા, ગુજરાતમાં થરાદ- ડીસા-મહેસાણા-અમદાવાદ હાઈ સ્પીડ રોડ કર્યો મંજૂર
2 ઓગસ્ટ-2024 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં, દેશમાં 8 નેશનલ હાઈ સ્પીડ રોડ કોરિડોર નિર્માણ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. જેમાં ગુજરાતમાં થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદનો હાઈ સ્પીડ રોડ કોરિડોર નિર્માણ કરવાની મંજૂરી આપી છે. જેનો આભાર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડીયા પર વ્યક્ત કર્યો છે. કુલ 50,655 કરોડ રુપિયાના ખર્ચે નિર્માણ પામનાર 8 નેશનલ હાઈ સ્પીડ રોડ કોરિડોર 936 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નિર્માણ પામનાર, 200 કિલોમીટરની લંબાઈ ધરાવનાર હાઈ સ્પીડ રોડ કોરિડોર કુલ 10,050 કરોડ રુપિયામાં બનશે.
ઉલ્લેખનીય છે કે, આ તમામ હાઈ સ્પીડ રોડ કોરિડોર નિર્માણ પામવાથી, લોજેસ્ટિક ડેવલપમેન્ટ અને લોજેસ્ટિક કોસ્ટમાં ઘટાડો થશે. તેમ જ સમય બચશે અને સમગ્ર દેશ આ નેશનલ હાઈ સ્પીડ રોડ કોરિડોરથી કનેક્ટ થશે. સમગ્ર દેશનો આર્થિક વિકાસ થશે તેવું કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.
અલગ અલગ લેનમાં નિર્માણ પામનાર કુલ 8 નેશનલ હાઈ સ્પીડ રો કોરિડોર
- 6 લેન થરાદ-ડીસા-મહેસાણા- અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર
- 6 લેન આગ્રા-ગ્વાલિયર નેશનલ હાઈ સ્પીડ કોરિડોર
- 4 લેન ખરગપુર-મોરે ગ્રામ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર
- 4 લેન અયોધ્યા રિંગ રોડ
- 5 લેન સેક્શન રાયપુર-રાંચી નેશનલ હાઈ સ્પીડ કોરિડોર
- 6 લેન કાનપુર રિંગ રોડ
- 4 લેન નોર્થ ગુહાવટી બાયપાસ
- 8 લેન એલિવેટેડ નાસિકફાટા- ખેડ કોરિડોર(પૂનાની નજીક)
કેન્દ્રીય કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, દેશના 140 કરોડ લોકોનો સર્વાંગી વિકાસ સાધવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એ દેશના આર્થિક વિકાસ માટેનો પાયો છે. અને દેશની જનતાનું જીવનધોરણમાં પણ સુધારો થાય છે. જનતાના રુપિયા દેશના જીડીપીમાં 3 ગણો વધારાની અસર કરે છે. વધુમાં મંત્રીએ જણાવ્યું છે કે, 2014ની તુલનાએ 2023-24 માં કેન્દ્ર સરકારે, ટોટલ કેપિટલમાં નેશનલ હાઈવે માટે 3.1 લાખ કરોડ રુપિયા ફાળવ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા