HousingNEWS

સરકારને 710 કરોડ આવક:કોરોનાની ગંભીર સ્થિતિમાં માત્ર એપ્રિલમાં 80 હજાર મિલકત વેચાઈ; મહિનામાં સરકારને સ્ટેમ્પ ડ્યૂટીની 694 કરોડની આવક

  • કોરોનાના કેસો વધતાં 50 ટકા સ્ટાફથી કચેરીઓ ચાલતી હોવા છતાં 40 દિવસમાં 92, 233 દસ્તાવેજની નોંધણી
  • આંશિક લૉકડાઉન અને ઘણા જિલ્લામાં નોંધણી બંધ હોવા છતાં મેના 10 દિવસમાં 10 હજારથી વધુ દસ્તાવેજ થયા

નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ કોરોના સંક્રમણની બીજી લહેરને કારણે રાજ્યમાં અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે ત્યારે રાજ્યમાં એપ્રિલ મહિનાના 30 દિવસમાં જમીન- મકાન મિલકતોના ખરીદ- વેચાણના 80 હજાર જેટલા દસ્તાવેજ નોંધાયા છે. રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં એપ્રિલ મહિનામાં 82,715 દસ્તાવેજોની નોંધણી થઇ છે. કુલ દસ્તાવેજોમાંથી 90થી 95 ટકા જમીન- મકાનના હોય છે જેથી એપ્રિલમાં 70થી 80 હજાર જેટલી મિલકતોના દસ્તાવેજો નોંધાયા છે. સરકારને આ મહિનામાં સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી પેટે 694 કરોડની આવક થઇ છે.

એપ્રિલમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતાં સરકારી કચેરીઓ પણ 50 ટકા સ્ટાફથી ચલાવવાના આદેશ કરાયા છે. દસ્તાવેજ નોંધણી માટે ભીડ ન થાય તે માટે જરૂર લાગે તે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટ્રેશન બંધ રાખવા કલેક્ટરોને કહેવાયું છે. અનેક જિલ્લામાં સંક્રમણ વધારે છે ત્યાં દસ્તાવેજ નોંધણી બંધ છે. છતાં મે મહિનાના 10 દિવસમાં જ 11,518 દસ્તાવેજો નોંધાયા છે અને 15 કરોડ રૂપિયાની આવક થઇ છે. ગત વર્ષે નાણાકીય વર્ષની શરૂઆતમાં જ લોકડાઉનને કારણે સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટો ફટકો પડ્યો હતો ત્યારે આ વખતે પણ એપ્રિલમાં જ કોરોના સંક્રમણ વધતા અને નિયંત્રણોને કારણે આવી સ્થિતિ સર્જાવાની દહેશત હતી પરંતુ 1 એપ્રિલથી 10 મે સુધીના 40 દિવસમાં જ 92,233 દસ્તાવેજોની નોંધણી થઇ છે અને 710 કરોડની આવક થઇ છે.

માર્ચની સરખામણીએ 50 ટકા જેટલા દસ્તાવેજો ઘટ્યા
દસ્તાવેજની નોંધણી ગત નાણાકીય વર્ષમાં સૌથી વધુ માર્ચમાં થઇ હતી. માર્ચ 2021માં કુલ 1.61 લાખ દસ્તાવેજો નોંધાયા હતા અને આ એક જ મહિનામાં 1235 કરોડની આવક થઇ હતી. એપ્રિલમાં માર્ચની સરખામણીએ દસ્તાવેજ નોંધણી અને આવકમાં 50 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ 2019ના એપ્રિલની સરખામણીએ આવકમાં 67.91 કરોડનો વધારો થયો છે. ગત વર્ષે એપ્રિલમાં લોકડાઉન હોવાથી દસ્તાવેજોની નોંધણી થઇ શકી ન હતી.

સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં 337 કરોડનો ઘટાડો
ગત વર્ષે કોરોના કાળમાં 67 દિવસના લોકડાઉનને કારણે એપ્રિલથી જુલાઇમાં દસ્તાવેજોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ ઓગષ્ટ પછી સ્થિતિ સામાન્ય થઇ હતી. જોકે વર્ષ 2019-20માં સ્ટેમ્પ ડ્યુટીની 7,701 કરોડની આવક સામે વર્ષ 2020-21માં 7,363 કરોડની આવક થતાં 337 કરોડનો ઘટાડો થયો હતો.

ગત વર્ષ કરતાં 4.90 ટકા ઓછા દસ્તાવેજ નોંધાયા
લોકડાઉન અને કોરોના સંક્રમણને કારણે વર્ષ 2020-21 માં આગળના વર્ષની સરખામણીએ 4.90 ટકા ઓછા દસ્તાવેજો નોંધાયા હતા. વર્ષ 2019-20 માં 12.08 લાખ દસ્તાવેજો નોંધાયા હતા જેની સામે વર્ષ 2020-21 માં 11.48 લાખ દસ્તાવેજોની નોંધણી થઈ હતી. વર્ષ 2021-22 માટે સ્ટેમ્પ ડયુટીની 8500 કરોડની આવક અંદાજવામાં આવી છે. ગત વર્ષે પણ આટલો જ અંદાજ રખાયો હતો પણ તે પૂરો થઈ શક્યો નહોતો.

ગત વર્ષના કોઈ પણ એક મહિના કરતાં વધુ આવક
એપ્રિલમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડયૂટીની 694 કરોડની આવક થઈ છે જે ગત 2020-2021ના માર્ચ કરતાં કોઈપણ એક મહિનામાં થયેલી આવક કરતાં વધુ છે. ગત વર્ષે શરૂઆતના 4 મહિના લોકડાઉનને કારણે આવક ઓછી થઈ હતી. નવેમ્બરમાં 693 કરોડની આવક થઈ હતી. માર્ચ 2021માં 1200 કરોડથી વધુની આવક નોંધાઈ હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close