ભારતીય મૂળના આબુદાબીના લુલુ ગ્રુપે, AMCનો પ્લોટ 519 કરોડમાં ખરીદ્યો, કોર્પોરેશન માટે અત્યાર સુધીમાં સૌથી મોટી ડીલ
આબુ દાબીના લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલે અમદાવાદમાં હરાજીમાં 519 કરોડ રુપિયામાં પ્લોટ ખરીદ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાંદખેડા અને મોટેરા વિસ્તારમાં પાંચ એએમસી પ્લોટની હરાજીમાં માત્ર એક પ્લોટની હરાજી થઈ, જે મૂળ ભારતીય એમ.એ. યુસુફ અલીના આબુ દાબીના લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલે ખરીદ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પ્લોટ માટે અત્યાર સુધીની સૌથી વધુ કિંમતમાં આ પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું છે. ચાંદખેડાના એસપી રીંગ રોડ પરના આ કોમર્શિયલ ઉપયોગના પ્લોટની રિઝર્વ કિંમત 502 કરોડ રૂપિયા હતી. AMCના સૂત્રોએ જણાવ્યું કે કંપની આ સ્થળે દેશનો સૌથી મોટો શોપિંગ મોલ બનાવવાની યોજના ધરાવે છે.
AMCએ શરૂઆતમાં શહેરમાં 22 પ્લોટની હરાજી કરવાની યોજના બનાવી હતી, 14 કોમર્શિયલ અને આઠ રેસિડેન્શિયલ, રૂ. 2,250 કરોડની સંયુક્ત અનામત કિંમત સાથે આયોજન કર્યું હતું. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલે AMC કમિશનરને વિનંતી કર્યા પછી, નાગરિક સંસ્થાએ તેની નીતિમાં સુધારો કર્યો, 99-વર્ષના લીઝને બદલે સંપૂર્ણ વેચાણની પસંદગી કરી હતી. જેથી હરાજી વિજેતાઓ લીઝ પર લાગુ 18% GST ચૂકવવાનું ટાળી શકે. આ ફેરફારને સ્થાયી સમિતિએ 5 જૂને મંજૂરી આપી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.