કારની પાછળની સીટ પર રહેલા યાત્રીઓ માટે સીટ બેલ્ટ લગાવવા અંગે સરકારે કડક વલણ અપનાવ્યું છે. એટલે કે હવે કારની આગળ બેઠેલી વ્યક્તિઓ ઉપરાંત પાછળ બેઠેલા યાત્રીઓએ પણ સીટ બેલ્ટ લગાવવાનું કડક પાલન કરાવવામાં આવશે, તેમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આ માહિતી એક મિડીયા કંપનીના કાર્યક્રમ દરમિયાન આપી હતી.
ઉલ્લેખનીય છે કે ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યું થયા બાદ મોદી સરકાર આ મોટો નિર્ણય કરવા જઈ રહી છે. કારમાં પાછળની સીટ પર બેઠેલા યાત્રીઓ માટે ટૂંક સમયમાં સીટબેલ્ટ એલર્ટ (Seatbelt alert)ની વ્યવસ્થા શરૂ કરવામાં આવી શકે છે.
સામાન્ય રીતે ભારતભરના તમામ શહેરોમાં કાર ચલાવવા દરમિયાન માત્ર ડ્રાઈવર જ સીટ બેલ્ટ બાંધે છે. જો કે, ઘણીવાર ડ્રાઈવર પણ સીટ બેલ્ટ બાંધતો નથી. કારણ કે, દરેકને સીટ બેલ્ટ બાંધતાં કંટાળો આવે છે. પરંતુ, ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મૃત્યું થયા બાદ કેન્દ્ર સરકાર કારમાં મુસાફરી કરનાર તમામ લોકો માટે સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત કરવા માટે મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે.
નોંધનીય છે કે, મહેન્દ્ર એન્ડ મહેન્દ્રના ચેરમેન આનંદ મહેન્દ્રએ, ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના અકસ્માત બાદ, પોતાના ટ્વીટર હેન્ડલ પર સીટ બેલ્ટ પહેરવાની પ્રતિજ્ઞા લઈને તમામ કાર ચાલકો અને કારમાં બેસનાર લોકોને સીટ બેલ્ટ બાંધવાનો સંદેશ આપ્યો હતો.
બિલ્ટ ઈન્ડિયા પણ તમામ કાર ચાલકો અને કારમાં બેસનાર તમામ લોકોને સીટ બેલ્ટ બાંધવા માટે આગ્રહ કરે છે. કારણ કે, એક અભ્યાસ મુજબ દેશભરમાં દર વર્ષે 1,50,000 લોકો રોડ અકસ્માતમાં મૃત્યું પામે છે પરિણામે તેમના પરિવારો આર્થિક અને સામાજિક રીતે હેરાન થાય છે. જેથી, કારની સ્પીડ પણ લિમિટ રાખવી અને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવું એ જન કલ્યાણનું કાર્ય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા
6 Comments