અમદાવાદમાં એફોર્ડેબલ હાઉસિંગ, પ્લોટની માંગમાં અચાનક ઘટાડોઃ હવે નવરાત્રી દરમિયાન માંગ વધે તેવી આશા
Sudden drop in demand for affordable housing, plots in Ahmedabad: Now expected to increase demand during Navratri
કોવિડ પછી ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોરદાર ડિમાન્ડ (Real Estate Demand) પેદા થઈ હતી, પરંતુ છેલ્લા બે મહિનાથી રિયલ્ટીમાં ફરી નરમાઈનો માહોલ છે. એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ અને પ્રીમિયમ પ્લોટિંગ સ્કીમમાં બે મહિનાથી માંગ ઘટી ગઈ છે. રિયલ્ટીના ભાવમાં વધારો અને વ્યાજના દરમાં થયેલો વધારો આ સેક્ટરને અત્યારે નડે છે. કોવિડ પછી હવે બીજા બિઝનેસમાં પણ કામગીરી નોર્મલ થઈ ગઈ હોવાથી લોકો રિયલ્ટીના બદલે અન્ય બિઝનેસમાં રોકાણ તરફ વળ્યા છે. તેના કારણે એફોર્ડેબલ મકાનો અને મોંઘા પ્લોટની માંગને અસર થઈ છે. હવે આગામી નવરાત્રી દરમિયાન રિયલ્ટીની માંગ વધશે તેવી આશા રાખવામાં આવે છે.
ક્રેડાઈ-અમદાવાદના પ્રેસિડન્ટ તેજસ જોશીએ જણાવ્યું કે, “કોવિડ તેની ટોચ પર હતો ત્યાર પછી અમદાવાદમાં એફોર્ડેબલ હાઉસિંગ અને પ્લોટેડ ડેવલપમેન્ટમાં લોકોનો રસ વધ્યો હતો. પરંતુ હવે પ્લોટ અને એફોર્ડેબલ હાઉસિંગમાં માગ ઘટી છે. નવી પ્લોટિંગ સ્કીમના લોન્ચની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.”
“જોકે, શહેરમાં કોમર્શિયલ સેગમેન્ટનો દેખાવ સારો છે તે રાહતની વાત છે. કોમર્શિયલ સેગમેન્ટમાં ગ્રોથ પણ વધ્યો છે. અમને લાગે છે કે તમામ સેગમેન્ટમાં નવરાત્રીના તહેવારો દરમિયાન માંગમાં વધારો થશે અને ચાલુ વર્ષના અંત સુધીમાં એનઆરઆઈ ગ્રાહકો દ્વારા ખરીદીમાં વેગ આવશે તેમ લાગે છે. તાજેતરમાં રિઝર્વ બેન્કે રેપો રેટ વધાર્યો તેના કારણે એફોર્ડેબલ હાઉસિંગની ડિમાન્ડને અસર થઈ છે. કન્સ્ટ્રક્શન મટિરિયલનો ભાવ વધી ગયો હોવાથી બાંધકામનો ખર્ચ વધ્યો છે.”
પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મોનિલ પરીખે જણાવ્યું કે, “થોળ સુધીના એરિયામાં પ્લોટિંગની ડિમાન્ડ સારી છે. પરંતુ તેનાથી આગળ જતા એટલી બધી માંગ નથી. કોવિડ વખતે લોકડાઉન લાદવામાં આવ્યો ત્યારે પ્લોટની સૌથી વધારે ડિમાન્ડ હતી. તે સમયે મોટી સંખ્યામાં ડેવલપર્સે પ્લોટિંગ સ્કીમ લોન્ચ કરી હતી. જોકે, છેલ્લા બે વર્ષમાં ભાવ લગભગ બમણાં થઈ ગયા હતા. હવે પ્લોટની માંગ સ્થિર થઈ ગઈ છે.”
અન્ય એક પ્રોપર્ટી કન્સલ્ટન્ટ પ્રવીણ બાવળિયાએ જણાવ્યું કે, “કોવિડની પિક પછી મોટા પ્લોટની ખરીદી આકર્ષક લાગતી હતી. પરંતુ હવે આ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. આ ઉપરાંત જમીનના ભાવ પણ વધી ગયા હોવાથી સોદાનું પ્રમાણ ઘટ્યું છે.”
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.
13 Comments