36 ચો.કિમી. એગ્રીકલ્ચર ઝોનને ડીનોટિફાઈ કરવાનો નિર્ણય લેવાશે, AUDAનો નવો ડીપી જૂનમાં જાહેર થવાની સંભાવના

ગુજરાત સરકારે, અમદાવાદના શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. Ahmedabad Urban Development Authority (ઔડા)ને શહેરની ફરતે આવેલા આશરે 36 ચોરસ કિલોમીટર એગ્રી ઝોનની જમીનને ડીનોટિફાઈ કરવાની લીલી ઝંડી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ નિર્ણયથી આ જમીનને રહેણાંક અને વ્યાવસાયિક ઉપયોગ માટે પરિવર્તિત કરવાની પ્રક્રિયા સરળ બનશે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ નિર્ણય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થાય તે બાદ, અમલમાં મુકવામાં આવશે.
સરકારના સૂત્રોના જણાવ્યાનુસાર, ઓગણજ, શીલજ, ઘુમા, ભાડજ, લાંભા, લક્ષ્મીપુરા, કઠવાડા, કામોડ, વાંજર, ફતેહવાડી અને વસ્ત્રાલ જેવા વિસ્તારો હાલમાં ઔડાના ડેવલપમેન્ટ પ્લાન હેઠળ એગ્રીકલ્ચર ઝોન તરીકે નોંધાયેલા છે.

આ તમામ વિસ્તારોમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. પરંતુ એગ્રીકલ્ચર ઝોનની મર્યાદાઓને કારણે વિકાસમાં અડચણ આવે છે અને કેટલાક કિસ્સાઓમાં ગેરકાયદેસર બાંધકામની શક્યતા ઊભી થાય છે. આયોજનબદ્ધ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આશરે 36 ચોરસ કિલોમીટર જમીનને કૃષિ ઝોનમાંથી બહાર લાવવાનો નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત, મહત્વપૂર્ણ માહિતી મુજબ રાજ્ય સરકારે અમદાવાદ શહેર માટે પ્રસ્તાવિત ત્રીજી રિંગ રોડ માટે જમીન અધિગ્રહણની પ્રક્રિયા શરૂ કરવા માટે તત્ત્વતઃ મંજૂરી આપી છે. ઔડાના વિકાસ યોજનાના ભાગરૂપે, પ્રસ્તાવિત આઉટર રિંગ રોડના બંને બાજુ આવેલા ગામોને ઔડાની હદમાં સમાવેશ કરવાની યોજના છે. આ અંગે સત્તાવાર જાહેરનામું મે મહિનાના પ્રથમ સપ્તાહમાં બહાર પાડવાની શક્યતા છે.

જોકે, સૂત્રોએ જણાવ્યું કે ત્રીજી રિંગ રોડ સાથે જોડાયેલા નવા ગામોને ઔડાના નવા ડેવલપમેન્ટ પ્લાનમાં સમાવેશ કરવા અંગેનો અંતિમ નિર્ણય “ઉચ્ચ રાજકીય સ્તરે” લેવામાં આવશે. Ahmedabad Urban Development Authorityનો નવો ડેવલપમેન્ટ પ્લાન આ વર્ષના જૂન મહિનામાં જાહેર થવાની સંભાવના છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



