બજેટ-2026-27માં માર્ગ-મકાન વિભાગ માટે 29,709 કરોડની ફાળવણી, ધોલેરા સરના વિકાસ માટે 610 કરોડ.

ગુજરાત રાજ્યના 2026–27ના બજેટમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 29,709 કરોડની જોગવાઈ સાથે રાજ્યભરમાં માર્ગ અને એક્સપ્રેસવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે.

એક્સપ્રેસવે અને હાઈ-સ્પીડ કોરિડોરને વેગ
રાજ્ય સરકારે નમો શક્તિ એક્સપ્રેસવે અને સોમનાથ–દ્વારકા એક્સપ્રેસવે માટે વધારાની 3,000 કરોડની જોગવાઈ કરી છે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ, જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ્સ મહત્વપૂર્ણ સ્થળોને જોડતાં હોવા ઉપરાંત સાંસ્કૃતિક અને પર્યટન વિકાસને પણ પ્રોત્સાહન આપશે.
આ ઉપરાંત રાજ્ય સરકારે લગભગ 1,155 કિમીના માર્ગોને “ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર” તરીકે જાહેર કર્યા છે, જેના માટે 800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વધુ ટ્રાફિક ધરાવતા માર્ગોને તબક્કાવાર હાઈ-સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ કરવાની પણ યોજના છે.

ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારની કનેક્ટિવિટી
“અંતિમ વ્યક્તિ સુધી માર્ગ સુવિધા” પહોંચાડવાનું સરકારનું મુખ્ય લક્ષ્ય છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામડાં અને વસાહતોને જોડવા, હાલના રસ્તાઓનું સંવર્ધન અને કૉઝવેના સ્થાને ઊંચા પુલો બનાવવા માટે 5,600 કરોડ ફાળવાયા છે. જેમાં, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે 400 કરોડ અને આદિવાસી વિસ્તારોમાં માર્ગ અને પુલોના વિકાસ માટે 950 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વ્યૂહાત્મક અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર
Dholera SIR ખાતે ફેઝ-1 લોજિસ્ટિક્સ અને ટ્રંક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 610 કરોડ ફાળવાયા છે, જેમાં આધુનિક માર્ગોના વિકાસનો સમાવેશ થાય છે. વધારાના182 કરોડ ખાસ માર્ગ વિકાસ માટે નક્કી કરાયા છે. જેમાં SG Highwayને ગ્રીન અર્બન હાઈવે તરીકે વિકસાવવા 100 કરોડ, Keshod Airportથી ધાર્મિક અને પર્યટન સ્થળો સુધી માર્ગ કનેક્ટિવિટી સુધારવા યોજના અને ઔદ્યોગિક એસ્ટેટ્સને જોડતા માર્ગોની સફાઈ માટે ₹10 કરોડ

સલામતી, જાળવણી અને ટેક્નોલોજી
મુખ્ય રાજ્ય માર્ગો પર સુરક્ષા વધારવા માટે 40 કરોડથી ઈન્ટેલિજન્ટ ટ્રાફિક સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. ઉપરાંત, DFCC અને રેલવે ક્રોસિંગ્સ પર ઓવરબ્રિજ બનાવવા માટે 500 કરોડ ફાળવાયા છે, જેથી “રેલવે-ક્રોસિંગ-મુક્ત” પરિસ્થિતિ સર્જી શકાય.
જાળવણી અને વિસ્તરણ માટે
- ટૂંકાગાળાના માર્ગ જાળવણી કોન્ટ્રાક્ટ માટે ₹150 કરોડ
- માર્ગ વિસ્તરણ દરમિયાન અવરોધરૂપ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઈન્સ ખસેડવા ₹125 કરોડ
- વ્હાઇટ ટોપિંગ માટે ₹32 કરોડ
રાજ્ય સરકારના આ વ્યાપક માર્ગ વિકાસ આયોજનથી ઔદ્યોગિક વૃદ્ધિ, પર્યટન, ગ્રામ્ય જોડાણ અને શહેરી સુવિધાઓને મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



