સાણંદ નજીક ખોરાજમાં મારુતિ સુઝુકીનું 35,000 કરોડનું રોકાણ, 7.5 લાખ લોકોને મળશે રોજગાર

ભારતના ઔદ્યોગિક વિકાસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “Make in India, Made for the World” વિઝનને વધુ મજબૂતી આપતા એક મહત્વપૂર્ણ પગલાંરૂપે, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે ગુજરાતના ઔદ્યોગિક શહેર સાણંદ નજીક આવેલા ખોરાજ ખાતે નવી ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે 35,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે.

આ અંગેનું રોકાણ પત્ર હસ્તાંતરણ સમારંભ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર હિતાચી ટાકેઉચીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઉપમુખમંત્રી હર્ષ સંઘવી તથા મારુતિ સુઝુકીના વ્હોલ-ટાઈમ ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર સુનિલ કક્કર પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
આ પ્રોજેક્ટ માટે, ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) દ્વારા ફાળવવામાં આવેલી 1,750 એકર જમીન પર મારુતિ સુઝુકી આધુનિક ઉત્પાદન સુવિધા વિકસાવશે. પ્લાન્ટમાં ચાર ઉત્પાદન યુનિટ્સ હશે, જેમાં દરેકની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 2.5 લાખ કારની રહેશે. આ રીતે પ્લાન્ટની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10 લાખ વાહન સુધી પહોંચશે. કંપની નાણાકીય વર્ષ 2029થી પ્રથમ યુનિટનું ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે.

આ પ્રોજેક્ટથી 12,000થી વધુ લોકોને સીધી રોજગારી મળશે. ઉપરાંત, આસપાસના વિસ્તારોમાં સહાયક ઉદ્યોગો, ઓટો પાર્ટ્સ ઉત્પાદકો અને MSME એકમોના વિકાસથી અંદાજે 7.5 લાખ પરોક્ષ રોજગારીની તકો સર્જાશે, જે ગુજરાતને દેશના અગ્રણી ઓટોમોબાઇલ હબ તરીકે વધુ મજબૂત બનાવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા



