રાજ્યના શહેરોમાં વાહનોની ગતિમર્યાદા 30 કિ.મી. કરવાની તૈયારી, અકસ્માતો પર અંકુશ માટે સરકાર લઈ શકે છે નિર્ણય

સમગ્ર દેશમાં દર વર્ષે રોડ અકસ્માતમાં અંદાજે 1,58,000 હજાર લોકોનાં મોત થાય છે. જેમાં ગુજરાતમાં છેલ્લા દાયકામાં રાજ્યભરમાં રોડ અકસ્માતોમાં 75 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. જેના પગલે રાજ્ય સરકારે શહેરી ટ્રાફિક માટે નવી ગાઈડલાઈન તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે.

ગુજરાતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક સલામતીને વધુ મજબૂત બનાવવા રાજ્યના શહેરી વિકાસ વિભાગે મહત્વપૂર્ણ પગલું ઉઠાવવાનું સૂચન આપ્યું છે. રાજ્યમાં સતત વધી રહેલા વાહનોની સંખ્યા અને તેમની અવિરત ઝડપને કારણે દુર્ઘટનાઓમાં થયેલા ભારે નુકસાનને અટકાવવા માટે શહેરોના આંતરિક રસ્તાઓ પર વાહનોની મહત્તમ ગતિ મર્યાદા 30 કિમી પ્રતિ કલાક સુધી લાવવાની તજવીજ શરુ થઈ છે.
વિભાગના સૂત્રો અનુસાર, છેલ્લા દાયકામાં રાજ્યભરમાં માર્ગ અકસ્માતોમાં 75 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. જેના પગલે રાજ્ય સરકારે શહેરી ટ્રાફિક માટે નવી ગાઈડલાઈન તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે. નવા માપદંડ પ્રમાણે વ્યસ્ત રહેણાંક વિસ્તારમાં, સ્કૂલ ઝોન કે બજાર વિસ્તારોમાં વાહનોની ગતિમર્યાદા 30 કિમી પ્રતિ કલાક રહેશે. જ્યારે પહોળા રસ્તાઓ કે મુખ્ય માર્ગો માટે 45 થી 60 કિમી સુધી ગતિ મંજૂર કરવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટીવી 18 ન્યૂઝ