અમદાવાદ શહેરને ફરતે આવેલા 76 કિલોમીટરનો એસ.પી. રીંગ રોડ બાદ, હવે 300 ફૂટનો આઉટર રીંગ રોડ બનાવવા માટે ઔડાએ ડીપીમાં રાજ્ય સરકાર સામે પ્રસ્તાવ મૂક્યો છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)એ તેની નવી 10-વર્ષીય વિકાસ યોજના (DP)માં ત્રીજો આઉટર રિંગરોડ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
અમદાવાદ શહેરને ફરતે, પ્રસ્તાવિત ત્રીજો રિંગ રોડ, જે 300 ફૂટ પહોળો હશે, તે રણછોડપુરા, ખાત્રજ, ધનજ, પલસાણા, ઉસ્માનાબાદ, મણિપુર, ગોધવી, કોલટ, મોરૈયા, ચાંગોદર, તાજપુર, કાસિન્દ્રા, ગિરમાથા, જેતલપુર જેવા અસંખ્ય ગામોમાંથી પસાર કરવાનું આયોજન છે. તેમજ મહુ, બારેજડી, નાનેડ, હીરાપુર, બાકરોલ, કણભા, રાયપુર, શાહપુર, સરગાસણ, તારાપુર, અને શેરથામાંથી પ્રસાર થશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
ઔડાના ડીપીમાં શહેરના પશ્ચિમ ભાગમાં દિલ્હી-મુંબઈ ફ્રેઈટ કોરિડોરને સંરેખિત કરવાનો પણ સમાવેશ થાય છે, જે અમદાવાદ અને રાજ્યના વિકાસને ઉત્તેજન આપવા માટે રસ્તાઓના નેટવર્ક સાથે જોડવામાં આવશે.
ડીપી સરકાર દ્વારા મંજૂર થયા બાદ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જમીનનું સંપાદન શરૂ થશે. હાલમાં, અમદાવાદમાં બે રીંગ રોડ છે, જેણે ટ્રાફિકની ભીડને દૂર કરવામાં મદદ કરી છે, અને સૂચિત ત્રીજો રોડ ભવિષ્યના શહેરના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
અહીં, નોંધનીય છે કે, એસ.પી. રીંગ નિર્માણ પામ્યો ત્યારે, જમીનના ભાવો ઊંચા ન હતા અને સાથે સાથે ખેડૂતોને વર્તમાન જેટલી પૈસાની લાલચ પણ ન હતી. માત્ર ઔડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર કાકાના કહેવાથી જમીનો સંપાદિત થઈ હતી. અને રીંગ રોડ બનાવ્યો હતો. પરંતુ, વર્તમાનમાં જમીનના ભાવો અને વધુ રુપિયા લેવાની ઈચ્છા હોવાથી, ત્રીજો આઉટર રીંગ રોડ બનાવવા જમીન સંપાદિત કરવી ખૂબ જ અઘરી લાગી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.