ડ્રાફ્ટ ટીપી સ્કીમ માટે 65 કરોડ, AMCના 2024-25ના વાર્ષિક બજેટને 12,262 કરોડની જોગવાઈ સાથે મંજૂરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2024-25 માટે કુલ 12,262.83 કરોડની જોગવાઈ સાથે વાર્ષિક બજેટને મંજૂરી આપી છે. જેમાં જાહેરાત કરવામાં આવી છે કે, અમદાવાદના એસજી હાઈ નજીકના વિસ્તારમાં 20 કરોડના ખર્ચે કમળ આકારનો ગાર્ડન બનાવવામાં આવશે. જેમાં દેશભરના ફૂલોના છોડ હશે. આ લોટસ પાર્કને, ગારલેન્ડ ઓફ ઈન્ડિયા તરીકે વિકસાવવામાં આવશે.
કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં 1,461.83 કરોડનો વધારો સૂચવતી સ્થાયી સમિતિએ 2024-25 માટે 12,262.83 કરોડને મંજૂરી આપી હતી. વધારાના 1,461.83 કરોડ નવા વિકાસ કામો પાછળ ખર્ચવામાં આવશે. જેમાં કોઈ નવા પુલ કે અંડરપાસનો સમાવેશ થતો નથી. જોકે, શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલી રાજપથ ક્લબથી બોપલને જોડતા રોડ પર ટ્રાફિક ઘટાડવા માટે અંડરપાસનો સમાવેશ થાય છે.
સ્થાયી કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, એલજી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન લગાવવા માટે 20 કરોડ, સાબરમતી રિવરફ્રન્ટ પર ફાયર સ્ટેશન બનાવવા માટે 50 લાખ,જોધપુર અને ચાંદલોડિયા સહિત પાંચ વોર્ડમાં અર્બન ફોરેસ્ટ બનાવવા માટે 2 કરોડ અને તળાવોના બ્યુટિફિકેશન માટે 30 કરોડ ફાળવવામાં આવ્યા છે.
વધુમાં દાણીએ ઉમેર્યું હતું કે ડ્રાફ્ટ ટીપી સ્કીમના વિકાસ માટે 65 કરોડ, 500 એરમોનિટરિંગ સેન્સર મશીનો માટે 15 કરોડ અને દરેક ઝોનમાં પોસાય તેવા દરે તૃતીય શુદ્ધિકરણ પાણી પૂરું પાડવા માટે 25 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.