અમે તમારી સાથે જ છીએ, ગુણવત્તાસભર કામ સાથે તંદુરસ્ત સ્પર્ધા કરો- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગુજરાતના માળખાકીય વિકાસના પાયા સમા ગુજરાતભરના કોન્ટ્રાક્ટર્સના ટેન્ડરીંગ અને તેના ભાવ સહિત કેટલાક પડતર પ્રશ્નોને મુદ્દે કોન્ટ્રાક્ટર્સ કોઈપણ સરકારી ટેન્ડર નહી ભરવાની હડતાળ પર હતા. પરંતુ, આજે પાટનગર ગાંધીનગરમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત કોનેક્સનું પ્રદર્શનનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે,ગુજરાતભરના તમામ રોડ અને બ્રિજ કોન્ટ્રાક્ટર્સને જણાવ્યું હતું કે, તમારી સમસ્યાનો હવે અંત આવ્યો છે અને ગુજરાત સરકાર તમારી સાથે જ છે તેવું કહીને હડતાળના અંતની ગર્ભિત જાહેરાત કરી દીધી છે. જોકે, હજુ ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
તદ્દપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યભરના રોડ અને બ્રિજ કોન્ટ્રોક્ટર્સની સાથે જ છે, અને કોન્ટ્રાક્ટર્સ સ્પર્ધા કરે પણ તંદુરસ્ત અને ગુણવત્તામાં કોઈ જ કસર ના છોડે તેવી અપીલ કોન્ટ્રાક્ટરોને કરી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, જ્યારે કોઈપણ કોન્ટ્રાક્ટર ગુણવત્તામાં કોઈ નાનીમોટી ભૂલ કરે છે ત્યારે તેના પરિણામ તમામને ભોગવવું પડે છે.જેથી બધા રોડ કે બ્રિજ નિર્માણ કરતા ગુણવત્તાભર કામ કરે અને તંદુરસ્ત સ્પર્ધા કરે.
ઉલ્લેખનીય છે કે, આજથી પાટનગર ગાંધીનગર સ્થિત આવેલા હેલીપેડ કન્વેશનલ સેન્ટરમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ મશીનરીનું ત્રિદિવસીય પ્રદર્શનનું આયોજન કરાયું છે, જે 21, 22 અને 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કર્યુ હતું, તે દરમિયાન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, કુંવરજી બવળિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમ જ ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની કમિટીના હોદ્દેદારો સહિત તમામ સભ્યો અને કન્ટ્રક્શન સેક્ટર સાથે જોડાયેલા તમામ બિઝનેસમેનો હાજર રહ્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.